પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલ બરડા ડુંગરમાં વિવિધ પ્રજાતિના અસંખ્ય પશુ-પક્ષાીઓ વસવાટ કરે છે, ત્યારે આવા વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે ડુંગર વિસ્તારમાં 100 થી વધારે પાણીના પોઇન્ટ આવેલા છે.
પોરબંદર જિûાના બરડા જંગલ વિસ્તાર તેમજ મિયાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠે અનેક વન્ય પ્રાણીઓ પાણી પીવા આવતા હોય છે. ત્યારે આવા વન્ય પ્રાણીઓને પીવાનું પાણી ખૂટે નહીં તે માટે વનવિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીના કુલ 106 જેટલા પોઇન્ટ આવેલા છે. જેમાં બરડા વિસ્તારમા 90 જેટલા પાણીના પોઈન્ટ આવેલા છે. જેમાં કુદરતી રીતે અમુક પાણીના પોઇન્ટ ભરેલા છે જ્યારે દરિયાઈ કાંઠે 16 પોઇન્ટ પાણીના છે, જેમાં પ્રાણીઓ સહેલાઈથી ઉતરીને પાણી પી શકે તેવા પોઇન્ટ છે.
બરડા ડુંગરમાં ચિતલ, સાબર, નીલગાય, દીપડા, શિયાળ સહિતના પ્રાણીઓ માટે અમુક પીવાના પાણીના પોઈન્ટ કુદરતી છે તો અમુક સ્થળોએ વનવિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નદીઓમાં વિવિધ સ્થળોએ પાણી ભરેલા છે. અને ખંભાળા, ફોદાળા, રાણસર, ગુલાબસાગર અને બારી તળાવ જેવા મુખ્ય તળાવોમાં પાણી ભરેલા છે, જેથી તરસ્યા થયેલા આ પ્રાણીઓ અહીં જંગલમાંથી સરળતાથી પાણી મેળવે છે અને તેઓ પાણીની શોધમાં શહેરી કે ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતા નથી.