રાષ્ટ્રીય પર્વની ધામધુમથી-ઉત્સાહભેર ઉજવણી કરાશે
યુનિવર્સિટી કેમ્પસમાં મુખ્ય વહીવટી બીલ્ડીંગ, સ્વામી વિવેકાનંદજી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ આદ્યસ્થાપક કુલગુરુ ડો.ડોલરરાય માંકડની પ્રતિમા, સરસ્વતી માતાજીનું મંદિર, બન્ને પ્રવેશદ્વાર, વૃક્ષો તથા લાઈટના થાંભલાઓને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર તથા ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.15 મી ઓગસ્ટ – રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરને ત્રિરંગાનો શણગાર કરવામાં આવેલ છે. સમગ્ર પરિસર ત્રિરંગાના રંગોથી રંગાઈ ગયું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય વહીવટી બીલ્ડીંગ, સ્વામી વિવેકાનંદજી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ આદ્યસ્થાપક કુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમા, સરસ્વતી માતાજીનું મંદિર, બન્ને પ્રવેશદ્વાર, વૃક્ષો તથા લાઈટના થાંભલાઓને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ આ અંગે જણાવ્યું હતું કે 15 મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ આપણાં સૌની ફરજ અને અધિકાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અથાગ પ્રયત્નો અને લોકસેવાના વિવિધ કાર્યો તેમજ લોકોપયોગી સુવિધાઓ અને સંશોધનો થકી ભારત વિશ્વ ફલક પર આજે મોખરાનું સ્થાન ધરાવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. હરીશ રુપારેલીયાએ વિશેષમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના રંગે રંગાયું છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આમંત્રણ આપેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે કરવામાં આવેલ ત્રિરંગા લાઈટીંગ નિહાળવા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉમટી પડ્યા હતા.