ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના
મનપાના ચોપડે વર્ષ દરમિયાન તળાવની પાળે ઓપરેશન અને મેન્ટેનન્સ હેઠળ રૂ.1.32 કરોડ ખર્ચે
જામનગર શહેરની મધ્યમાં એક માત્ર ફરવાનું સ્થળ, પરિવારજનો સાથે નિરાંતે સાંજ અને રજાઓ માણવાનું સ્થાન તળાવની પાળ હતી, જે હવે બ્યુટીફિકેશન બાદ નગરજનોનાં કબજામાંથી કોર્પોરેશનનાં ખિસ્સામાં જતું રહ્યું છે. આ બ્યુટીફિકેશન કરદાતા નગરજનોનાં કરોડો રૂપિયાથી થયું છે અને હાલ તળાવની પાળે બેસવા કે દોડવા નગરજનોએ ફદિયા ચૂકવવા પડે છે અને આ તમામ આવક લાગતાવળગતાઓને ” સાચવવા” પાછળ ખર્ચ કરે છે જામનગર મહાનગરપાલિકા ! નગરજનો માટે તો આ બ્યુટીફિકેશન ’ ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના ’ પૂરવાર થયું છે !
જામનગરનું સૈકાઓ જૂનું લાખોટા તળાવ સૈકાઓ સુધી નગરજનોનાં જીવનનો અવિભાજય હિસ્સો રહ્યું. નગરજનોની લાખો ખાટીમીઠી યાદો આ તળાવ સાથે વણાયેલી રહી, પછી રાજ્ય સરકારે કોર્પોરેશનને બ્યુટીફિકેશનનાં રવાડે ચડાવ્યું ! વિકાસકથા તરીકે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. તેમાં પણ લાગતાવળગતા સૌએ ’મોજ’ કરી લીધી. અને, બ્યુટીફિકેશનનાં રૂપાળાં નામ હેઠળ બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું કે, તળાવનાં કાંઠે બેસી સાંજની સુમધુર હવાનો નગરજનોએ સ્પર્શ કરવો હોય તો, નાણાં ચૂકવવા પડે ! અને આ તમામ નાણું એક યા બીજા સ્વરૂપે, સૌ સંબંધિતોના ખિસ્સામાં પહોંચી જાય ! હવે જ્યારે જ્યારે તળાવની જાળવણી કરવાની આવે ત્યારે ત્યારે ફરીથી નગરજનોની તિજોરીમાંથી નાણાં ખર્ચ કરવામાં આવી રહ્યા છે ! નગરજનોએ નાણાં પણ ખર્ચ કરવાનાં અને ડામ પણ સહન કરવાનાં ! બંને બાજુથી માર !
વર્ષ 2022/23 નાં તળાવની પાળની આવક અને ખર્ચના આંકડા અત્રે પ્રસ્તુત છે : ગત્ વર્ષે મહાનગરપાલિકાને એન્ટ્રી ફી તથા કાયમી પાસ સહિતના સ્ત્રોતોમાંથી કુલ રૂ. 1.45 કરોડની કમાણી થઈ. અને આ જ સમયગાળા દરમિયાન કોર્પોરેશને ઓપરેશન અને મેન્ટેનન્સનાં વિવિધ હેડ હેઠળ રૂ. 1.32 કરોડનો ખર્ચ કર્યો ! ટૂંકમાં, બ્યુટીફિકેશનમાં જે રીતે કરદાતા નગરજનોનાં કરોડો રૂપિયાનો ઘડોલાડવો કરવામાં આવ્યો, એ રીતે હવે દર વર્ષે કરદાતા નગરજનોનાં દોઢેક કરોડ રૂપિયાનો ઘડોલાડવો કરવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરી લેવામાં આવી છે.
કોર્પોરેશન કહે છે : વર્ષ દરમિયાન તળાવની પાળે ઓપરેશન અને મેન્ટેનન્સનાં વિવિધ હેડ ( સિક્યોરિટી, સફાઈ, બગીચાકામ, સીસીટીવી , ફૂવારા સંચાલન અને લાઈટ બિલ વગેરે) ગત્ વર્ષે કુલ રૂ. 1.32 કરોડનો ખર્ચ જામ્યુકો નાં ચોપડાઓમાં હિસાબ તરીકે લખવામાં આવ્યો છે.