કાળાનાણા સગે-વગે કરવા બીટકોઈન સહિતની વર્ચ્યુલ કરન્સીનો ઉપયોગ થયો હોવાની શંકા: નોટબંધી બાદ બીટકોઈનમાં ટ્રેડિંગ માટેની સંસ્થાઓનો રાફડો ફાટયો
દેશમાંથી કાળાનાણાના ભોરીંગને નાથવા મોદી સરકારે રાતોરાત નોટબંધીનો નિર્ણય લીધો હતો. સરકારે લીધેલા નોટબંધીના નિર્ણયનો હેતુ સિદ્ધ થયો છે કે કેમ ? તે અલગ પ્રશ્ન છે. જોકે આ નિર્ણયથી વર્ચ્યુઅલ કરન્સી બીટકોઈન હવાલાનું મોટુ માધ્યમ બની ગયું છે તે વાત હકિકત છે. નોટબંધીના એક મહિનામાં જ કાળાનાણાની મોટાપાયે હેરફેર બીટકોઈનના માધ્યમથી લાગી હોવાનું માનવામાં આવે છે.
તાજેતરમાં સુરત-અમરેલી બીટકોઈન ખંડણી પ્રકરણમાં નોટબંધી બાદના કાળા કારનામા ઉપરથી પડદા ઉંચકાયા હતા. આ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આરોપીઓએ બીટકોઈનને સગેવગે કરવા ઠેર-ઠેર રોકાણ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હજુ આ મામલે તપાસ ચાલુ છે.
અહીં ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ કાળાનાણાને સગવગે કરવા અનેક લોકો ઉંધા માથે થયા હતા. આ સમયે બીટકોઈનથી મળતું વળતર પણ મલાઈદાર હતું માટે કેટલાકે પોતાના કાળાનાણા બીટકોઈન ખરીદી સગેવગે કર્યા હોવાનું માનવામાં આવે છે. તે સમયે બીટકોઈનનું ટ્રેડિંગ કાયદેસર નહોતું માટે આવા ટ્રેડિંગમાં હિસાબ મેળવવો તંત્ર માટે મુશ્કેલ છે. જેથી વર્ચ્યુઅલ કરન્સીમાં નાણા રોકવા કૌભાંડીઓને હિતાવહ લાગ્યું હતું. બીટકોઈનની ખરીદી કે વેચાણમાં માત્ર ડિજિટલ વોલેટની જ જરીયાત રહેતી હોય છે જેથી આવા કેસમાં તપાસ કરવી જટીલ બાબત છે. જયાં સુધી મોટી રકમના ટ્રેડ ધ્યાને ન ચડે ત્યાં સુધી બીટકોઈનનું ટ્રેડિંગ પકડાતું નથી.
બીટકોઈનના ટ્રેડિંગમાં કાળા કારનામા કરી અનેક લોકોએ લાખો-કરોડો કાળામાંથી ધોળા કર્યા હોવાનું માનવામાં આવે છે. બીટકોઈન તેમજ અન્ય વર્ચ્યુલ કરન્સી ઉપર પણ હાલ તંત્રની તપાસ ઉતરી છે. અનેક ઉધોગપતિઓ કે બિલ્ડરો બીટકોઈનમાં રોકાણ કરતા હોવાનું માનવામાં આવે છે. બીટકોઈનના માધ્યમથી હવાલાનો કાળો કારોબાર ચાલતો હોવાનું પણ ચર્ચાય છે ત્યારે નોટબંધી બાદ એકાએક બીટકોઈનનું વધેલુ ચલણ તપાસનો વિષય બન્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com