સાગર સંઘાણી

જામનગરમાં દિવસેને દિવસે ચોરી અને છેતરપીંડીની ઘટનામાં વધારો થતો જાય છે પોલીસ વડા પ્રેમસુખ ડેલુંની સુચનાથી પોલીસ ત્વરિત કામગીરી કરીને પકડી પાડતી હોય છે ત્યારે જામનગર પોલીસને વધુ એક સફળતા મળી છે. શહેરના ચાંદી બજાર વિસ્તારમાંથી ૨૦ લાખના દાગીના લઈને છુ મંતર થઇ જનાર મહિલાને રાજસ્થાનમાંથી પકડી પાડવામાં આવી છે. સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફની ઊંડાણપૂર્વકની તપાસના અંતે મહિલાનો રાજસ્થાન સુધી પીછો કરાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં નેમીનાથ દેરાસર- ઝવેરીનો ઝાંપો વિસ્તારમાં રહેતા રમાબેન રમેશચંદ્ર મહેતા નામના વૃદ્ધ મહિલાને સરકારની વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પચીસ હજાર રૂપિયા ની રોકડ સહાય અપાવી દેવાના બહાને એક મહિલાએ લાલ બંગલા વિસ્તારમાં લઈ ગયા પછી તેણીના ૪ લાખ ૨૦ હજારની કિંમતના સોનાના ઘરેણા ઉતરાવી બેન્ક લોકરમાં રાખવાના બહાને લઈ જઈ, રફુ ચક્કર થઈ ગઈ હતી ત્યારે આ અંગે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલાને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝનના ડી. સ્ટાફ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાઓ અને હ્યુમન સોર્સિસના વર્ણનના આધારે વણિક મહિલાનો એક અજ્ઞાત સ્ત્રી દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો. જે અંગેના ફૂટેજ મેળવીને આખરે મહિલાનો છેક રાજસ્થાન સુધી પીછો કરવામાં આવ્યો હતો. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે આણંદ ગામની વતની અને હાલ રાજસ્થાન ભાગી છુટેલી શાહીદાબીબી ઉર્ફે સાહીસ્તાબાનુ, ઉર્ફે મનીષા, ઉર્ફે ચકુ ફિરોઝ ખાન પઠાણ નામની ૩૬ વર્ષની મહિલાની અટકાયત કરી લેવામાં આવી હતી.

ઉપરોક્ત બહુનામધારી મહિલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવતાં તેણી જામનગરની વણિક મહિલાના ઘરેણા લઈને પોતે ભાગી હોવાનું કબૂલી લીધું હતું. પોલીસે તેની પાસેથી રૂપિયા બે લાખની કિંમતના સોનાના દાગીના વગેરે કબજે કરી લીધા હતા, અને તેણીને જામનગર લઈ આવ્યા પછી વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

જે પૂછપરછ દરમિયાન તેણે જામનગરના ગુના ઉપરાંત ગીર સોમનાથ, વેરાવળ, પંચમહાલ, ગોધરા, આણંદ, ભાવનગર, અમદાવાદ, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજપીપળા અને વડોદરા સહિતના વિસ્તારમાંથી આવા જ પ્રકારના ૨૪ જેટલા ગુનાઓને અંજામ આપ્યા ની કબુલાત આપી દીધી છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
ઉપરોક્ત કામગીરી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એમ.બી. ગજજર, પી.એસ.આઈ. બી.એસ. વાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.