સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં મચ્છરને ભગાવવા માટે મશીન અથવા તો મચ્છરની અગરબતીનો ઉપયોગ કરતાં હોય છે દિલ્હીમાં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 6 લોકો મચ્છર ભગાડનાર કોઇલ સળગાવતા મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ સવાલ એ ઉઠે છે કે મચ્છરની અગરબતી કેટલી હાનિકારક, તેમાથી કયો ગેસ નીકળે છે જે ઘાતક બની જાય છે !!
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દિલ્હીના, શાસ્ત્રી પાર્ક વિસ્તારની છે જ્યાં મચ્છર ભગાડનાર કોઇલના કારણે એક પરિવારના 6 લોકો મૃત્યુ પામ્યા હતા. પરિવારના 8 સભ્યો રાત્રે મચ્છરની કોઇલ સળગાવીને સૂઈ ગયા હતા પરંતુ સવારે તેઓ જાગી શક્યા ન હતા. ઘરના 8માંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. મચ્છર ભગાડનાર કોઇલ એ મચ્છરોથી છુટકારો મેળવવાનો સૌથી સરળ ઉપાય છે. આવી સ્થિતિમાં લોકો તેના નુકસાનને એટલું મહત્વ આપતા નથી. નિષ્ણાતોના મતે 1 મચ્છર ભગાડનાર કોઇલ સળગાવવાથી 75 થી 137 સિગારેટ જેટલો ધુમાડો નીકળે છે. આવી સ્થિતિમાં તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. આથી તેમના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ આવવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા.
ત્યારે આ મામલે ઉત્તર પૂર્વ જિલ્લાના પોલીસ નાયબ કમિશનરે જણાવ્યું હતું કે “પરિવારે મચ્છર ભગાડતી અગરબત્તી સળગાવીને રાત્રે ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દીધા હતા જેના કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો. મૃતકે જ્યારે તેઓ સૂતા હતા ત્યારે મચ્છર નિવારક દવાને રાતોરાત સળગાવવાના પરિણામે ઉત્પન્ન થયેલ કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં લીધો હતો,”
મચ્છરની અગરબતીથી ક્યાં ગેસ ફેલાઈ છે ??
મચ્છર ભગાડનાર કોઇલને બાળવાથી કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રો ડાયોક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર બહાર આવે છે. તે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં, મચ્છરની કોઇલનો ધુમાડો આપણી અંદર જાય છે અને મચ્છર કરડવાથી વધુ નુકસાનકારક સાબિત થાય છે.