કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ભારણ વધશે, જેને પરિણામે ભાવમાં વધારો આવશે
સ્ટીલના ભાવમાં 20 ટકા સુધીનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે. કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવાથી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ભારણ વધશે. જેને પરિણામે ભાવમાં વધારો આવશે તેવું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
વૈશ્વિક સ્ટીલ ઉદ્યોગ એ વિશ્વભરમાં સૌથી વધુ ઉર્જા ખર્ચ કરતા ઉદ્યોગો પૈકીનો એક છે. આ ઉદ્યોગ વૈશ્વિક વાર્ષિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં આશરે 8 ટકાનો હિસ્સો ધરાવે છે. કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ ઉદ્યોગ ઉપર દબાણ આવ્યું છે. દેશમાં હાલ કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે સ્ટીલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરીને પર્યાવરણને હાનિ પહોંચાડે છે.
ખાસ કરીને સ્ટીલ ઉદ્યોગમાં કોલસા સહિતના ઇંધણના વપરાશનું પ્રમાણ ઘટાડવા સહિતના સુધારા હવે આવવાના છે. બીજી તરફ સ્ટીલ ઉદ્યોગમાં હરીફાઈ પણ મોટી છે. જેને કારણે તેઓનો વ્યાપાર ઓછા માર્જિન સાથે થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સ્ટીલ ઉદ્યોગ ઉપર કોસ્ટિંગનું ભારણ વધવાનું છે. માટે આ ભારણ હવે ગ્રાહકોના માથે આવવાનું છે. ઉદ્યોગપતિઓના જણાવ્યા પ્રમાણે સ્ટીલમાં હવે 20 ટકા સુધીનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે.
કાર ઉત્પાદકોને પણ રૂ.16 હજાર સુધીનું ઊંચું કોસ્ટિંગ સહન કરવું પડશે
કારમાં સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટીલ ઉદ્યોગ 20 ટકા સુધીનો ભાવ વધારો આવવાનો છે. જેને કારણે કારના ઉત્પાદકોને પણ રૂ. 16 હજાર સુધીનું ઊંચું કોસ્ટિંગ સહન કરવું પડશે. જો કે કાર નિર્માતા કંપનીઓ આ ભાવ વધારો ગ્રાહક સુધી પહોંચવા દેશે કે કેમ તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.