વર્ધમાનનગર શ્રી સંઘ દ્વારા ચાલી રહેલી પ્રવચન શ્રેણીમાં ત્રીજા દિવસ પરોપકારનું મહત્વ સમજાવ્યું
વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે પોતાની પ્રવચન શ્રેણીના આજના ત્રીજા દિવસે પરોપકારનું મહત્વ સમજાવ્યું હતું. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યશ્રી પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે. વિશ્ર્વ હિતચિંતક આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરિશ્ર્વરજી મહારાજાએ ગઈ કાલે જિનવચનનું શ્રવણ કરવું તે ઉપાય સમજાવ્યો હતો. આજે પણ આચાર્યશ્રીને સંભાળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
સદાકાળ માટે શ્રેષ્ઠ સુખોને ભોગવવા અને સદાકાળ માટે દુ:ખથી અને દોષથી રહિત બનવું એ જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે… તે સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય તે માટેના 15 ઉપાયો પૈકી (1) અકલ્યાણ મિત્રનો ત્યાગ અને કલ્યાણમિત્ર સાથે મૈત્રી (2) પ્રભુ વચનોનું શ્રવણ (3) પ્રભુ વચનોને ધારી રાખવા… આ ત્રણ ઉપાયોનું સુંદર માર્ગદર્શન આપી સમેતશીખર તળેટી તીર્થાધ્ધારક માર્ગદર્શક, પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી કીર્તિયશસૂરિશ્ર્વરજી મહારાજા, આત્મસ્વરૂપને પામવાના ચોથા ઉપાય તરીકે પરોપકાર કરવો જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આચાર્યએ જણાવ્યું હતું કે, પોતાનાથી અન્ય આત્મા એટલે પર. પોતે અને પોતાના સ્વજન સંબંધી છોડીને અન્ય આત્મા કે જેની સાથે લેવડ-દેવડ કે વ્યવહારનો કોઈ સંબધં ન હોય, તે પર કહેવાય. એવાનો ઉપકાર કરવો. પોતાની શકિત મુજબ-સંયોગ મુજબ પોતાનાથી પારકા એવા લોકોનો ઉપકાર કરવાનો. જેણે આજ સુધી તમારું કશું જ કર્યું નથી, તેના ઉપર ઉપકાર કરવાનો છે.
આચાયએ સમજાવ્યું હતું કે, ’ પર ’નો અર્થ જેમ અન્ય જીવ થાય છે, તેમ પરનો અર્થ શ્રેષ્ઠ પણ થાય છે. શ્રેષ્ઠ ઉપકાર કરવો જેમાં સ્વાર્થનો કોઈ ભાવ ન હોય તેવો ઉપકાર અથવા તો જેમાં હિતની જ કામના હોય એવો ઉપકાર તે પરોપકાર…
પરોપકારથી પોતાના કષાયોમાં જબરદસ્ત ઘટાડો થાય છે. લોભ નામના કષાયને નાથવાની તક પરોપકારથી સહેજે મળી જાય છે. પોતાની સ્વાર્થવૃત્તિને પરોપકાર મોટો ઘા પહાંચાડે છે.
ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી પીવડાવવું, માંદાને દવા આપવી, કોઈને આપત્તિમાંથી બહાર કાઢવા, આ બધું પરોપકારમાંગણાય છે. . ઉન્માર્ગે ગયેલાને, રાહ ભૂલેલાને, અધર્મના પંથે ચડી ગયેલાને- સન્માર્ગે, સાચા રાહે લાવવા, ધર્મમાં જોડવા એ પણ પરોપકારમાં આવે તેમ જણાવતા આચાર્યશ્રીએ કહ્યું હતું કે, જે કોઈ જીવ ધર્મમાં સિધ્ધાંતો હોય તો તેના ભાવને જાગૃત કરો-ઉલ્લાસ વધારવો. એની સાધનામાં આવતા અવરોધ દૂર કરી આપવા, આ પણ પરોપકારનો જ ભેદ છે.પરોપકાર અને દાક્ષિણ્યમાં ભેદ છે. સાચી વ્યકિત યાચના કરે પછી મદદ કરવી તે દાક્ષિણ્ય છે પરંતુ સામે ચડીને સામાને સહાય કરવી તે પરોપકાર છે.
પ્રવચનના અંતભાગમાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે, પરોપકારની બાબતમાં પણ ઘણું ઘણું સમજવું પડે તેમ છે. આજે પરોપકાર કરવાના નામે ઘણી બધી એવી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જેનાથી આત્માનું અહિત થાય, ધર્મનો નાશ થઈ જાય. માટે પરોપકાર કરવા ભાવનાવાળી વ્યકિતએ માથે સદગુરૂ રાખીને પરોપકારનું શાસ્ત્રોક્ત સ્વરૂપ સમજી તે મુજબ જ અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે સહાય, મદદ કે લાભ કરવાથી સામાનું ભાવી ધૂંધળુ બને તે ઉપકાર નથી, પણ અપકાર છે. તાત્કાલીક ઉપકાર થતો દેખાય પણ લાંબે ગાળે નુકસાન થાય તેને ઉપકાર શી રીતે કહેવાય ?