મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવનાર રાજકોટવાસીઓનું ઋણ જાણે રૂપાણી સરકાર ચૂકવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ત્રણ મહાનગરપાલિકાઓમાં મેટ્રો સેવા શરૂ કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આગામી નાણાકીય વર્ષના બજેટમાં રૂા.50 કરોડ જોગવાઈ કરવામાં આવી હોવાનું આજે નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બજેટ રજૂ કરતા વેળાએ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા હાલ અમદાવાદ અને સુરત મહાનગર જ્યારે પાટનગર ગાંધીનગરમાં મેટ્રો સેવા શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરમાં પણ મેટ્રો લાઈટ અને મેટ્રોનીયો જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પૂરી પાડવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ પર લેવામાં આવ્યું છે તેવી જાહેરાત વિધાનસભામાં કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 4 મહાનગરોમાં મેટ્રો સેવા શરૂ કરવા રૂા.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ચારેય મહાનગરપાલિકામાં મેટ્રો સેવા શરૂ કરવા માટે પ્રિ ફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે.
ઈલેકટ્રીક-સીએનજી વાહનોને પ્રોત્સાહન અપાશે
સરકાર પ્રજાની સુખાકારી સાથે પર્યાવરણનો પણ એટલો જ ખ્યાલ રાખે છે. વાયુ પ્રદુષણ ઘટાડવા માટે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એસ.ટી. દ્વારા પ્રથમ વખત 50 ઈલેકટ્રીક બસો સંચાલનમાં મૂકવાનું આયોજન છે. તદઉપરાંત, ઈકો ફ્રેન્ડલી 50 સી.એન.જી. વાહનો પણ સંચાલનમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ.30 કરોડની જોગવાઈ કરાઈ છે.
ડિલક્સ અને સ્લીપર સહ્તિ 1000 નવી બસો કાર્યરત થશે
લોકો 800 ડિલક્ષ પ્રકારની અને 200 સ્લીપર કોચ મળી 100 નવી બસો કાર્યરત કરવામાં આવશે લાંબા અંતરની મુસાફરી માટે આરામદાયક 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે જેમાટે રૂ.270 કરોડની જોગવાઈ કરવામા આવી છે.