સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બીડી, સિગારેટ અને તમાકુની ભરપૂર જાહેરાતો કરીને કાયદાનું કરી રહ્યા છે ઉલ્લંઘન
અબતક, નવી દિલ્હી : બીડી- સિગારેટ-તમાકુ ઉત્પાદકો પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જાહેરાતો કરી લોકોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ લોકોના આરોગ્યને નજરઅંદાજ કરી પૈસા કમાઈ રહ્યા છે.
ભારતના તમાકુ નિયંત્રણ કાયદાનું ઉલ્લંઘન કરીને હાનિકારક ઉત્પાદનોની જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખુલ્લેઆમ લાભ લઇ રહ્યું છે. સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવી જાહેરાતો લઈને ભરપૂર આવક રોળી રહ્યા છે.
ભારતમાં 267 મિલિયન તમાકુના વપરાશકારોમાંથી, એક ચતુર્થાંશથી વધુ બીડીનું ધૂમ્રપાન કરે છે, લગભગ અડધા (47%) વપરાશકર્તાઓ તેમના 10મા જન્મદિવસ પહેલાં તેમની પ્રથમ બીડી પીવે છે. સમગ્ર દેશમાં સરળતાથી સુલભ અને સિગારેટ કરતાં સસ્તી એવી બીડી સિગારેટ કરતાં આઠ ગણી વધુ વેચાય છે.
ભારતના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ 2003 હેઠળ તમાકુની જાહેરાત, પ્રમોશન અને સ્પોન્સરશિપ, ઇન્ટરનેટ પર માર્કેટિંગ સહિતની પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધિત છે.
તમામ તમાકુ ઉત્પાદનોનું ઈન્ટરનેટ પર માર્કેટિંગ કરવામાં આવે છે. જ્યાં પ્રતિબંધો લાગુ કરવા વધુ મુશ્કેલ હોય છે. જોકે દરેક ઉત્પાદન માટે વપરાતી માર્કેટિંગ વ્યૂહરચનાઓ અલગ અલગ હોય છે. બીડી કંપનીઓ તેમના ઉત્પાદનો ઓનલાઈન વેચવા માટે સીધા માર્કેટિંગનો ઉપયોગ કરે છે. આ ચિંતાનો વિષય છે કારણ કે બીડી માર્કેટિંગના સંપર્કમાં આવવાથી નવા અને વર્તમાન ગ્રાહકોમાં ઉપયોગની સંભાવના વધી જાય છે.
ફેસબુક બીડી કંપનીઓ માટે ઓછામાં ઓછા 30 અલગ પેજ હોસ્ટ કરે છે. આમાંની ઘણી કંપનીઓ વેચાણની સુવિધા માટે ફેસબુક પેજનો ઉપયોગ કરતી હોવાનું જણાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 80% કિસ્સાઓમાં ઉત્પાદનના સ્પષ્ટ ચિત્રો સાથે સોશિયલ મીડિયા પર બીડીઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. તેનાથી વિપરીત, મોટાભાગના તમાકુ ઉત્પાદનોનો પ્રચાર અસ્પષ્ટ રીતે કરવામાં આવે છે અથવા વધુ ગુપ્ત રીતે કરી હાલના કાયદાઓનું પાલન કરવાનો ડોળ ઉભો કરવામાં આવે છે.
ભારત વિશ્વભરમાં તમાકુ ઉત્પાદનોનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા દેશ છે. બીડીનો ધુમાડો અન્ય સિગારેટ કરતાં વધુ ટાર, કાર્બન મોનોક્સાઇડ અને નિકોટિન પહોંચાડે છે અને કેટલાક કેન્સર, કોરોનરી હૃદય રોગ અને હૃદયરોગના હુમલાનું જોખમ ગંભીર રીતે વધારે છે. કેટલાક વૈશ્વિક અભ્યાસોએ બીડીના ઉપયોગ ઉપર ચેતવણી આપી છે.
ધૂમ્રપાન રહિત તમાકુ ઉત્પાદનોના માર્કેટિંગમાં ઇન્સ્ટાગ્રામનો 43 ટકા, ફેસબુકનો 39 ટકા અને યુટ્યુબનો 12 ટકા ઉપયોગ થયો છે. જ્યારે ધૂમ્રપાનવાળા તમાકુ ઉત્પાદનોના માર્કેટિંગમાં ફેસબુકનો 53 ટકા, ઇન્સ્ટાગ્રામનો 31 ટકા અને ટ્વિટરનો 10 તકવા ઉપયોગ થઈ રહ્યો છે.