નોટીફીકેશન વગર ફેરફાર કરવો અયોગ્ય: નવી વેલફેર સ્કીમની ફી અને લેઈટ ફી નહીં ભરનારનું માત્ર વેલફેર સભ્ય પદ રદ થાય: કોંગી લીગલ સેલના કન્વીનર

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં જાન્યુઆરી માસથી જુની વેલફેર સ્કીમ બંધ કરી નવી વેલફેર સ્કીમ લાગુ કરવામાં આવેલી છે જે સંદર્ભે રાજકોટ બાર એસોસીએશન સહિત અનેક વિવિધ બાર એસોસીએશનો દ્વારા નવી વેલફેર સ્કીમનો વિરોધ કરવામાં આવેલો હતો જે સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત નવી સ્કીમમાં નજીવો વેલફેરની ટીકીટમાં ફાયદો આપી નાના વકીલો ઉપર ખુબ જ મોટો આર્થિક ભારણ નાખી દેવામાં આવ્યું છે.

નવી વેલફેર સ્કીમમાં ગુજરાત એડવોકેટ વેલફેર એકટ કાયદાની કલમ ૧૬/એ (૧) મુજબ કાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા દર પાંચ વર્ષે વેલફેર રીન્યુ ફી લઈ શકે છે પરંતુ હાલની બારની બોડીએ દર વર્ષે વેલફેર સ્કીમ મુજબ રૂ.૧૫૦૦/- નિયત કરેલા છે જે કાયદા મુજબ જયાં સુધી ગેઝેટ નોટીફીકેશન બહાર પાડી કાયદાની કલમ ૧૬/એ (૧)માં જયાં સુધી સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી નવી વેલફેર સ્કીમ દર વર્ષે ઉઘરાવવી એ કાયદા મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનું ગેર કાયદેસર છે તેમ ડો.જીજ્ઞેશ એમ.જોષીએ જણાવેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યો મનસ્વીપણે ઠરાવો કરી નિયમો બનાવી રહ્યા છે. લેઈટ ફી અને પેનલ્ટી લેવાની સતા પણ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મળેલી નથી તો કઈ કલમ હેઠળ રૂ.૨૫૦/- દંડ અને રૂ.૫૦૦/- લેઈટ ફી ઉઘરાવવાની કાર્યવાહી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હોદેદારો કરી રહ્યા છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની છેલ્લી પ્રેસનોટમાં જણાવવામાં આવેલું છે કે જે સભ્યોની નવી વેલફેર ફી રૂ.૧૫૦૦ અને લેઈટ ફી રૂ.૨૫૦/- સાથે તા.૩૦/૬/૨૦૧૯ સુધીમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં જમા કરાવવાની રહેશે નહીંતર નોટીસ આપી સભ્યપદ રદ કરવામાં આવશે જે સંદર્ભે ડો.જીજ્ઞેશ જોષીએ જણાવ્યું છે કે, જે સભ્યો વેલફેરના સભ્યો હોય અને ફી ન ભરેલ હોય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત માત્ર વેલફેર સભ્યપદે જ રદ કરી શકે પરંતુ વકીલાત કરતા અટકાવી શકે નહીં. ઉપરોકત વિષયે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત જો નિયમ મુજબ આગળ નહીં વધે તો ફરજીયાત હાઈકોર્ટમાં તમામ વકીલોવતી જરૂર પડે તો જાહેર હીતની અરજી પણ કરવામાં આવશે તેમ અંતમાં ડો.જીજ્ઞેશ જોષીની યાદીમાં જણાવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.