‘અબતક’ પરિવારના આંગણે પૂ. મોરારીબાપુની પધરામણીથી રામ અને શબરીના મિલનનો પ્રસંગ જાણે તાજો થયો હોય તેવો અલૌકીક માહોલ સર્જાયો’તો: પૂ. મોરારીબાપુએ બોરનો આ સ્વાદ માણી પ્રસાદીરૂપે ‘અબતક’ને આપ્યા હતા પ્રગતિના આશિર્વાદ
આજે શિવરાત્રીના પાવન પર્વે પૂ. મોરારીબાપુનો જન્મદિવસ છે. પ્રખર રામાયણી પૂ. બાપુ સાથે ‘અબતક’ પરિવાર વર્ષો જૂનો નાતો ધરાવે છે. ભગવાન શ્રી રામે શબરીની ઝુંપડીએ તેના બોર ખાવા જવું પડયું હતુ. રામાયણનો આ પ્રસંગ ભગવાન પણ પોતાના પ્રિય ભકતને મળવા કેટલા તત્પર હોય છે. તેની પ્રતિતિ કરાવે છે. આવી જ રીતે પૂ. મોરારી બાપુએ તેમની સાથે પ્રેમ અને આદરભાવ ધરાવતા ‘અબતક’ પરિવારના આંગણે પાવન પધરામણી કરતા અલૌકિક મીલનનો અનેરો માહોલ સર્જાયો હતો. આ વેળાએ તેઓએ આશિર્વચન પણ પાઠવ્યા હતા. અને બોરનો આસ્વાદ માણ્યો હતો. તેઓએ ‘અબતક’ મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે પ્રવિત્ર વાણીથી વાર્તાલાપ કરીને ‘અબતક’ પરિવારને પ્રગતિના આર્શિવાદ પાઠવ્યા હતા.
ભલે કોઈ સમાચાર સમુહો મોરારિબાપુને પુજ્યત્વના સ્થાને બેસાડવા ને બદલે કથાકાર કે કથાવાચક તરીકે સંબોધીને લખવા કે બોલવાની પોતાની ભૂમિકાને એક સીમા રેખામાં અંકિત કરે. પરંતુ આ વ્યક્તિત્વને જેણે નજીકથી નીરખ્યુ કે પીંછાણ્યુ ગયું છે તે તેને સંતત્વની સર્વોચ્ચ પદવીથી જરાય ઓછી અંકિત ન કરે.
પુ.મોરારીબાપુની આજે જન્મ જયંતી પ્રસંગે તેના સમગ્ર વ્યક્તિત્વને શબ્દોમાં ઢાળવું કઠિન છે કારણ કે તેમના જીવનના તમામ પાસાઓને મુલવવા ગ્રંથ પણ ટૂંકો પડે.ઈશ્વરિય ભૂમિકા પહેલાનું પગથિયું કોઈ પામે કે ન જુએ પરંતુ તમે પૂજ્ય મોરારીબાપુને નજીકથી મળી લો તો જરૂર તમારા મોંમાંથી શબ્દો સરી પડે કે “બસ આ એ જ “મોરારીદાસ હરીયાણીથી શરૂ થયેલી કથાયાત્રા આજે અનેક વિશેષણોથી વિભૂષિત મોરારીબાપુ સુધી પહોંચી છે. એક એવા કથાકાર જેણે ગામડાંમાં બુગંણ બાંધીને બનાવેલા દોઢસો ફૂટ ના સમયાણામાં કથાયાત્રા આરંભેલી તે આજે એક લાખ વ્યક્તિઓ શ્રવણ લાભ લઇ શકે તેવી વાતાનુકૂલિત વ્યવસ્થા થઈ શકે છે એ જ રામકૃપા છે .આજના અમ્રૃત મહોત્સવ સુધીની જીવન યાત્રામાં બાપુએ થાકનો અનુભવ કર્યો નથી. પરંતુ હવે પોતાની સ્થિતિને તેઓ સંકોરતા સંગોપિત કરતાં રહ્યાનો અનુભવ શ્રોતાઓ, શ્રાવકોને થતો રહ્યો છે.
સત્ય, પ્રેમ, કરુણાના તેઓ વાંહક તો છે જ પરંતુ આ ત્રણેય ગુણોનો સરવાળો સતત આપનાંમાં પડઘાતો રહ્યો છે. “જે બોલે તે કરે “તે વાત મોરારીબાપુએ જકડી રાખી છે. કોઈપણ કાર્યક્રમ હોય કે કથાનો પ્રસંગ બાપુએ સત્યને પકડી રાખ્યું છે. પોતાના શબ્દોને ચરિતાર્થ કરવા આપ હંમેશા મથતાં રહ્યા છો. હા, ક્યારેક કડવી વાત કોઈને ભલે સીધો પ્રહાર કરીને નહિ કહી હોય પણ તેમના પ્રવચન કે કથાના માધ્યમથી બખૂબી તેઓ આવી વાત લોકહૃદયમાં અથવા જેને પહોંચાડવી છે તેમને સોંસરવી ઉતારવાં સફળ રહ્યાં છો. ઝૂપડાની જાહોજલાલી અને નાગા થી નાગર સુધીનાને એક પંગતે બેસાડવાની હિંમત કરનાર પણ તમને ભાગ્યે જ જોવા મળે, પણ મોરારીબાપુએ સૌને પ્રેમ કર્યો છે માટે તે બધાનો અખૂટ પ્રેમ પામી શક્યા છે.ધ્રુણા કે દ્વેષ તેમની ડીક્ષનરી માંથી લગભગ ગાયબ છે .ગરીબ, વંચિત પીડિત માટે તેમના હૃદયમાં કરુણાનો હિંડોળો ઝુલ્યા કરે છે. જોકે લાગે છે કે વિરાટને હિંડોળે જાકમ જોક્ષ કરવું તે તેનો જ એક ભાગ છે. દવાખાના,સદાવ્રત કે સંસ્થાઓને બેઠી કરવામાં તેઓ લગભગ છ દસકા સુધી દોડતાં રહ્યાં છે. કરોડોનું ભંડોળ એકત્ર કરીને તેના સંવાહકોને સોંપવું અને પછી પોતાની માળા લઈ નીકળી જવું પછી તે જાણે ને રામ જાણે..! તેના તરફ તેઓ શું કરે છે તેની દૃષ્ટિ સુધ્ધાધા કરવાની જીજીવિષા આપે કદી દાખવી નથી..! આ સમયના બદલાવે ક્યાંક કોઈક એવા પણ મળી ગયા હોય કે જેણે આ મહાવ્રતની પવિત્રતાને નુકસાન પહોંચાડ્યું હોય તો પણ બાપુએ આ પાત્ર માટે પણ કરુણાની અમીધારા જ વહાવી છે.
સમયપાલન, આસનસિદ્ધિ કે એકનિષ્ઠા તેના અતિવિશિષ્ટ પ્રભાવક મુકુટ સદગુણો તરીકે પણ ઓળખવા જોઇએ.તેઓ એ સૌને ક્ષમા બક્ષી છે કોઇ માટે દુર્ભાવ નહીં સૌ ઇશ્વરીય અંશ..! ક્યારેક કોઈક નાના-મોટા અર્થો વિવાદથી તેમને નાહકના ઘસેડ્યા પણ હશે. તેને પણ બાપુએ બે હાથ જોડીને ક્ષમાશીલતાથી સંવાર્યા છે. કથા કે કાર્યક્રમોમાં બાપુએ સૌનો સમય ટકોરાબંધ સાચવી લીધો છે. સમયમાં ક્યારેય મોડાં પડ્યાનો કોઈ પ્રસંગ નથી.કથાના સમય સાથે તેઓએ જબરો અનુબંધ સાધ્યો છે. સાડા આઠસો કથા શૃંખલામાં બાપુએ ક્યારેય વ્યાસપીઠેથી સહેજ પણ ચલિત થયાં નો કોઈ પ્રસંગ બન્યો નથી. એટલું જ નહીં તેમની કથાના આ દિવસો નો ગુણાકાર કરીએ તો સાડા સાત હજાર દિવસોમાંથી એક કલાક માટે પણ તેના અવાજમાં નાનો સરખો પણ ફેરફાર જણાયો નથી.તે ચમત્કાર કે ઈશ્વરીય શક્તિનો અણસાર જ ગણવો રહ્યોં. અનેક ચડાવઉતાર વચ્ચે બાપુની શ્રદ્ધા રામકૃપા તરીકે હંમેશા મદદે આવી છે. કોઈ પ્રસંગ એવો નથી કે કોઈ કથા કે પ્રસંગમાં કોઈ બાધા ઊભી થઇ હોય..! એ બાપુની એક નિષ્ઠાનું પરિણામ ગણવું રહ્યું.
પૂ. મોરારીબાપુની ચેતનાને “મલ્ટી ડાયમેન્શન” થી જોવા આપણો પનો ટૂંકો પડે. આજે પૂ.બાપુના ૭૫માં પ્રાગટ્ય દિને રામ સ્મરણ સાથે તેમને વંદન અબતક પરિવાર તેમને વંદન પાઠવે છે.