ધમકીથી ડરેલા યુવાને ચાર દિવસ સુધી ગુમસુમ રહ્યા બાદ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: ચાર સામે નોંધાતો ગુનો
અબતક,રાજકોટ
બાટવાના પાજોદ ગામના જુગારના ધંધાર્થીને ત્યાં પોલીસે પાંચેક દિવસ પહેલાં દરોડો પાડી ધરપકડ કરતા પોલીસને બાતમી આપ્યાની શંકા સાથે ચાર શખ્સો છેલ્લા પાંચેક દિવસથી ધમકી દેતા હોવાથી જુગારના ધંધાર્થીઓની ધમકીથી ડરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે ચારેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાટવા નજીક આવેલા પાજોદ ગામે રહેતા રાહુલ રાજાભાઇ લોખીલ નામના 31 વર્ષના આહિર યુવાને ગત તા.1 ઓકટોમ્બરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યા અંગેની મૃતકના કાકા દિનેશભાઇ રામભાઇ લોખીલે તેના ગામના રોહિત ભીમા જલુ, કાનજી ઉર્ફે કાના દેસા જળુ, મીહિર વિજય હેરમા અને દેવા ઉર્ફે દેવકુ નાજ જળુ નામના શખ્સો સામે આત્મહત્યાની ફરજ પડાવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પાજોદ ગામના હનુમાન ચોક પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડી સાત શખ્સોની ધરપકડ કરી હતી. જુગારનો દરોડો રાહુલ લોખિલે પડાવ્યો હોવાની શંકા સાથે રોહિત ભીમા, કાનજી જળુ, મીહીર હેરમા અને દેવા નાજા નામના શખ્સો ઘરની બહાર નીકળ એટલે ટાટીયા ભાંગી નાખવા છે. તેવી ધમકી દેતા હોવાથી મૃતક રાહુલ લોખીલ પોતાના પર હુમલો થશે તેવા ડરના કારણે ઘરની બહાર નીકળતો ન હતો.
દરમિયાન રાહુલની માતા રાણીબેન ગરબી જોઇને પરત આવતા હતા ત્યારે તેમને પણ રોહિતે ધમકી દીધી હોવાથી રાહુલ વધુ ડરી ગયો હતો. રાહુલને તેના કાકા દિનેશભાઇ અને સાર્દુલભાઇએ સમજાવ્યો હતો તેના પર કોઇ હુમલો નહી કરે તેમ છતાં ગભરાયેલા રાહુલે ગત તા.1 ઓકટોમ્બરના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બાટવા પી.આઇ. જે.એચ.કછોટ સહિતના સ્ટાફે ચારેય સામે આત્મહત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.