- ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી 60 થી 80 વર્ષ સુધીના વડીલો જોમ-જુસ્સા સાથે મેદાને ઉતર્યા
સુરેન્દ્રનગર શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોશીએશન દ્વારા કર્તવ્યમ ટ્રોફી 2024 અંતર્ગત સિનિયર સિટીઝનો માટેટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અંદાજે 20થી વધુ સિનિયર સિટીઝનની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો છે. ત્યારે સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો રાજકીય આગેવાનો અનેસિનિયર સિટીઝન ખેલાડીઓના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર દેશ સહિત રાજ્યના સિનિયર સિટીઝનોમાં ખેલદિલીની ભાવના કેળવાય અને એકલવાયું જીવનથી અલગ રમતગમત સહિતની પ્રવૃત્તિઓમાં રસ દાખવે તેવા હેતુથી સુરેન્દ્રનગર શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોશીએશન દ્વારા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના સહયોગથી કર્તવ્યમ ટ્રોફી 2024નું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી અંદાજે 20 થી વધુ સિનિયર સિટીઝનની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત તેમજ મહારાષ્ટ્રના મુંબઈ, પુના સહિતના શહેરોમાંથી સિનિયર સિટીઝનો સુરેન્દ્રનગર ખાતે કર્તવ્ય ટ્રોફી અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. સિનિયર સિટીઝનની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ મેચ સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ અને મુંબઈ ઈલેવન વચ્ચે રમાયો હતો. 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની ઉમરના સિનિયર સિટીઝનો યુવા ખેલાડીઓની જેમ જોમ અને જુસ્સા સાથે ગ્રાઉન્ડમાં દોડતા અને ચોકા છક્કા મારતાં નજરે પડયા હતા. નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત સિનિયર સિટીઝન ક્રિકેટ એસોશીએશનના હોદેદારો જોગેશભાઈ રાવલ, રણજીતસિંહ ઝાલા, દિગુભા ચુડાસમા, ગેલુભાઈ મકવાણા સહિત રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.