ગુજરાત વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની બેઠકો સતત ઘટી રહી છે અને કોંગ્રેસ વધુ મજબુત બની રહી છે: લોકસભાની ચૂંટણી પણ મહામહેનત માગી લેશે
ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવવામાં ભારતીય જનતા પાર્ટીને ચોકકસ સફળતા સાંપડી છે. બહુમત સાથે જીત છતાં ભાજપ માટે ખતરાની ઘંટી વાગી રહી છે. કારણકે ગુજરાત વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની બેઠકમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. સામાપક્ષે કોંગ્રેસ વધુ મજબુત બનીને ઉભરી રહી છે. વિધાનસભાની ચૂંટણીના પરીણામો એક વાત સ્પષ્ટ સાબિત કરી દે છે કે ભાજપે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મહામહેનત કરવી પડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે તબકકાના મતદાન બાદ ગઈકાલે યોજાયેલી મતગણતરીમાં ભાજપ હારતા બચી ગયું છે. જોકે શહેરી મતદારોના જુકાવના કારણે રાજયમાં સતત છઠ્ઠી વખત સ્પષ્ટ બહુમત સાથે ભાજપ સરકાર બનવા જઈ રહ્યી છે છતાં આ પરિણામો ભાજપ માટે એક સબક સમાન છે. જેમાંથી ભાજપે ઘણુ શીખવુ પડશે. કારણકે ગુજરાતમાં વિધાનસભાની છેલ્લી ત્રણ ચુંટણીથી ભાજપ સામે નવા પડકારો હોય છે જોકે કમળ આ તમામ પડકારોને ઝીલી લે છે પરંતુ બેઠકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
બેઠકનો ઘટાડો પ્રથમ નજરે આંખે ઉગીને વળગે તેવો નથી પરંતુ જે રીતે ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીમાં બેઠકનો ઘટાડો નોંધાયો તેમ ભાજપ માટે ખરેખર ખતરાની ઘંટડી સમાન છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ૨૦૦૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ભાજપને ૧૨૭ બેઠકો પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ ૨૦૦૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અસંતુષ્ટ ધારાસભ્યો બળવો પોકારી મેદાનમાં આવ્યા હતા. જેને પાછલા બારણેથી કોંગ્રેસે પણ ટેકો આપ્યો હતો. જોકે અસંતુષ્ટના આક્રમણ ખાળવામાં ભાજપ ૧૦૦ ટકા સફળ રહ્યું હતું અને ૧૮૨માંથી ૨ તૃતિયાંશ બેઠક એટલે કે ૧૨૧ બેઠકો પર જીત હાંસિલ કરી ગુજરાતમાં સરકાર બનાવી હતી અને અસંતુષ્ટોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપની સામે પડયા હતા અને તેઓએ ગુજરાત પરીવર્તન પાર્ટીના નામે નવો પક્ષ રચ્યો હતો. જોકે કેશુભાઈ કે તેઓના પક્ષ જીપીપીને કોઈ ખાસ સફળતા મળી ન હતી અને માત્ર બે બેઠકો જ પ્રાપ્ત થઈ હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ ફરી ૧૧૫ બેઠકો સાથે સતત સતા‚ઢ થયું હતું. ૨૦૦૨ અને ૨૦૧૨ વચ્ચે ભાજપને મળેલી બેઠકનો તફાવત ૧૨ સુધી પહોંચી ગયો હતો. દર વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વોટશેર ચોકકસ વધે છે પરંતુ બેઠકમાં સતત ઘટાડો નોંધાયો રહ્યો છે.
૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અનેક પડકારો હતા. પાટીદાર અનામત આંદોલન, ઓબીસી અને દલિત ફેકટર, ખેડૂતોને મળતા અપૂરતા ભાવો, નોટબંધી અને જીએસટી ઉપરાંત લોકોનો રોષ અને એન્ટીઈન્કમબન્સી જેવા આક્રમણને વધુ એક વખત ખાળવામાં ભાજપ સફળ રહ્યું છે અને ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે. ૨૦૧૨ની સરખામણીએ ૨૦૧૭માં ભાજપને ૧૬ બેઠકો ઓછી મળી છે જે કમળ માટે ખરેખર ખતરાની નિશાની છે.
૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ રાજયની તમામ ૨૬ લોકસભા બેઠક પર જીત હાંસિલ કરવામાં સફળ રહ્યું હતું. જેની પાછળનું કારણ એ હતું કે દેશભરમાં સતા વિરોધી લહેર ઉઠી હતી અને મોદી મેજીક નામનું વાવાઝોડુ ફુંકાયું હતું. લોકસભાની ચૂંટણીને આડે હવે માત્ર દોઢ વર્ષનો જ સમયગાળો બાકી રહ્યો છે ત્યારે રાજયમાં ફરી તમામ ૨૬ બેઠક પર કમળ ખીલવવા માટે ભાજપે મહામહેનત કરવી પડશે અને તેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવી પડશે.
છેલ્લી ત્રણ ટર્મથી જે રીતે ભાજપની બેઠકોમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે એકાદ ટર્મ ભાજપની સરકાર બનશે ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં બરાબર ફાઈટ થવાની સંભાવના જણાઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામોએ ભાજપને ફરી એક વખત બેકફુટ પર ધકેલી દીધું છે. રાજયમાં બહુમત સાથેની સરકાર રચ્યા બાદ લોકોની અપેક્ષા પરીપૂર્ણ કરવા માટે સરકારે એડીચોટીનું જોર લગાવવું પડશે અને બીજી તરફ વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હોમટાઉન એવા ગુજરાતમાં કમળને વધુ મજબુત બનાવવા માટે સંગઠને પણ આકરી મહેનતમાં લાગી જવુ પડશે. ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાથી કોંગ્રેસનો ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. જે વધુ આક્રમક બને તે પહેલા ભાજપે સાવચેત થઈ જવુ પડશે.