સ્વિટ્ઝરલેન્ડની લેકલાંચ કંપની રૂ.250 કરોડનું રોકાણ કર્યું: 1.5 ગીગાવોટ/કલાકની ક્ષમતા સાથે એકમ ધમધમશે
એકતરફ ઇંધણની અછત તેમજ બીજી બાજુ વધતા જતા પ્રદુષણ એમ બંને બાબતોને પહોંચી વળવા માટે એક માત્ર રસ્તો ઇલેક્ટ્રિક વ્હીકલ છે. આગામી થોડા વર્ષ જ ચાલે તેટલા ઇંધણના જથ્થાનો પર્યાય ઉર્જા સ્ત્રોત શોધવા તરફ વિશ્વ આખું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ત્યારે વાહનોમાં ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. બેટરી સંચાલિત વાહનો બજારમાં ઉપલબ્ધ થઈ ગયા છે પરંતુ કઠણાઈ એવી છે કે, બેટરીની વિશ્વસનીયતા નથી. કંપની જે માઇલેજની વાત કરે છે તે મળશે કે કેમ?
લાંબી મુસાફરીમાં ચાર્જીંગ સ્ટેશન મળશે કે કેમ? સહિતના સવાલો હજુ પણ ઉભા છે. અધૂરામાં પૂરું અવાર નવાર બેટરી ફાટવાની ઘટના પણ પ્રકાશમાં આવતા લોકો બેટરી સંચાલિત વાહનો હજુ પણ ઓછા પસંદ કરે છે. બીજી બાજુ ભારતમાં ઘર આંગણે લીથીયમ-આયન બેટરી બનાવતી કંપનીઓ પણ ખૂબ ઓછી છે.
હાલ મોટા પાયે આ પ્રકારની બેટરીનું ઉત્પાદન કરતી કંપનીઓ પણ ઓછી છે. ત્યારે બેટરીની સમસ્યા ભારતને પઝવી રહ્યું હતું. જો કે, હવે ભારતના મોટા બેટરી ઉત્પાદક પૈકી એક એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝ હવે ગુજરાતમાં લીથીયમ આયન બેટરીનું ઉત્પાદન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય બેટરી નિર્માતા એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને સંયુક્ત સાહસ ભાગીદાર સ્વિટ્ઝર્લેન્ડની લેકલાંચ ગુજરાતમાં દેશના સૌથી મોટા લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન કરશે તેવું કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું.1.5 ગીગાવોટ/કલાકની કુલ સ્થાપિત ક્ષમતા સાથેનો પ્લાન્ટ છ સ્વયંસંચાલિત એસેમ્બલી લાઈનો ધરાવે છે. જેના પર તે ઓટોમોબાઈલ અને એનર્જી સ્ટોરેજ એપ્લીકેશન માટે બેટરીનું ઉત્પાદન કરશે, એમ સંયુક્ત સાહસ કંપની નેક્સચાર્જે એક નિવેદનમાં જણાવ્યું હતું.
નેક્સચાર્જે અત્યાર સુધીમાં પ્લાન્ટના નિર્માણ અને સ્થાપના માટે રૂ. 250 કરોડનું રોકાણ કર્યું છે, જેમાં સેલ ટેસ્ટિંગ લેબ પણ સામેલ છે. ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેફન લુઈસે જણાવ્યું હતું કે, કંપની ગતિશીલતા અને ઉપયોગિતાની માંગને પહોંચી વળવા “ફાસ્ટ-ટ્રેક” પર છે. ક્ષેત્રો કાર્બન ઘટાડા અને આબોહવા પરિવર્તનના ધ્યેયોને પહોંચી વળવા ભારત માટે ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઉર્જા મહત્વપૂર્ણ છે.