ટંકારાને અને સુવિધાને ગાઉ એકનું છેટું હોય તેમ છાસવારે કંઈકને કઈક ભોપાળા બહાર આવે છે ત્યારે બે દિવસ પૂર્વે ટંકારામાં અડધી રાત્રે બતી ગુલ થયા બાદ વીજ કંપનીના કર્મચારીઓએ ફોન ઉપર કમ્પ્લેન ન લેતા આખો પોશ લતો વીજ કચેરીએ પહોંચવા છતા રાજા બાબુ જેવા વિજકર્મીએ પ્રશ્ન ઉકેલવાને બદલે સુતાસુતા ફરિયાદ લખતા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ ગંભીર બેદરકારી મામલે વીજ કચેરીના નાયબ ઇજનેરે કર્મચારી સામે પગલાં લેવાનું જાહેર કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે ટંકારાની પોશ ગણાતી એમડી સોસાયટીમાં અડધી રાત્રે વીજળી ગુલ થતા લોકોએ પીજીવીસીએલ કચેરીમાં અનેક ફોન કર્યા હતા પરંતુ જવાબદાર કર્મચારીઓએ ફોન ન ઉપાડતા એમડી સોસાયટીના રહીશો ફરીયાદ કરવા કચેરીએ પહોચ્યા હતા. જ્યાના દ્રશ્યો જોઈ પ્રજાજનો રીતસર ચોકી ઉઠયા હતા.ટંકારા વિજતંત્રની કચેરીમાં ઉપકરણો ચાલુ રાખી, ઓફિસ રેઢિ ખુલ્લી મુકી ફરીયાદ રૂમને પણ પડતો મૂકી ચોકીદાર અમે ફરજ ઉપરનો રાજાબાબુ જેવો એક કર્મચારી લોબીમા આરામ ફરમાવતા જોવા મળ્યા હતા જેથી લોકોએ ચોકીદાર અને સ્ટાફને કેમેરામાં કેદ કરી લીધા હતા.
કચેરીમાં અન્ય સ્ટાફની ગેરહાજરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, લોકોનું ટોળું ફરિયાદ કરવા પહોંચ્યું હોવા છતાં નિમ્ભર કર્મચારીએ ગ્રાહકોને જોઈ ઉભો થવાની તસ્દી પણ ન લીધી અને સુતા સુતા રજવાડી ઠાઠમાં ફરીયાદ લખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકો ભડાશ ઠાલવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ટંકારા પીજીવીસીએલ કચેરીમાં ફરીયાદ માટેનો નંબર કોઈ ઉપાડતુ જ ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવાની સાથે કચેરીમાં ફિલ્ડમાં રીપેરીંગ કામ કરતા કર્મચારીઓ પણ ગાબચી મારી ફોલ્ટ રીપેરીંગ માટે મોડુ કરતા હોય તેવી ફરિયાદ પણ મળી રહી છે. આ ગંભીર બાબત અંગે નાયબ ઈજનેર સોજિત્રાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હુ હાલ રજા ઉપર છુ.
પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તે નિંદનીય છે. વિડીયોમા દેખાતા બન્ને જવાબદાર સામે સોમવારે કચેરી ખાતે હાજર થઈને તાત્કાલિક પગલાં લઈ નોટિસ આપી તપાસ કરી કડક પગલા લેવામા આવશે તેમ જણાવી અન્ય નાઈટ સ્ટાફ ક્યા હતો એ પણ તપાસ કરવામાં આવશે તેમ ઉમેરી હાલમાં કચેરીનો ઘણો ખરો સ્ટાફ અમરેલી જિલ્લામાં રિપેરીંગ માટે ફાળવવામાં આવ્યો હોય થોડી ફરિયાદ વધી છે જે પણ ટુંક સમયમાં દુર થઈ જશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે વીજ ગ્રાહકોને પડેલી મુશ્કેલી અને સ્ટાફની ગેરવર્તણૂક બદલ ખેદ વ્યક્ત કરી કચેરી સબંધી કોઈ પણ ફરિયાદ હોય તો 99252 09179 ઉપર ગમે ત્યારે કોલ કરવા વીજ ગ્રાહકોને જણાવ્યું હતું.