ચારેય રમતો માટે સભ્યોની નોંધણી પ્રક્રિયા ચાલુ: રમત દીઠ પ્રતિમાસ રૂ.300 સભ્ય ફી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂ. 5 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષને મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થોડા સમય પૂર્વે ખુલ્લું મુકવામાં આવ્યું હતું . જ્યાં તા. 1 માર્ચથી બેડમિન્ટન, ટેબલ ટેનિસ, મલ્ટીપર્પઝ જીમ અને કરાટેની બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોમ્પ્લેક્ષના સંચાલક જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ આ ચારેય રમતો માટે સભ્યોની નોંધણી પ્રક્રિયા ચાલુ છે. રમત દીઠ પ્રતિમાસ માત્ર રૂ. 300 સભ્ય ફી છે. કોમ્પ્લેક્ષ સવારે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બેચ સમય અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે 11:00 થી 1:00 તેમજ 03:00 થી 06:00 કલાક વિદ્યાર્થીઓને કોચિંગ તેમજ પ્રેક્ટિસ માટે ખુલ્લું રહેશે. આ સમય સિવાયની બેચ જનરલ ખેલાડીઓ માટે ખુલ્લી રહેશે. હાલ લોન ટેનિસ તેમજ વોલી બોલની રમતો માટે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થયે બંને રમતો માટેની બેચનો પણ પ્રારંભ કરાશે.
જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આગામી સમયમાં કોચિંગ કેમ્પ, ટ્રેનિંગ સેશન, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની સપર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ જણાવ્યું છે. રાજકોટના આંગણે નવનિર્મિત અદ્યતન જિલ્લા સ્પોર્ટસ સંકુલ વિવિધ રમતો માટે યુવા પ્રતિભા બહાર લાવામાં અગત્યનું પ્લેટફોર્મ પૂરું પાડશે.