જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું: વધુ એક આતંકીને કોર્ડન કરી લેવાયાનાં અહેવાલ
જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારના રોજ શોપિયાના કાંજીયુલર વિસ્તારમાં એકાઉન્ટર દરમિયાન બે આંતકવાદીઓને ઠાર માર્યા છે. ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ શોપિયાનાં જાન મોહમ્મદ લોન તરીકે સામે આવી છે. તે મેનેજર વિજય કુમારની હત્યામાં સામેલ હતો. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ ઓપરેશન વિશે જાણકારી આપતી ટ્વિટ પણ કરી છે.
ટ્વિટમાં લખ્યું હતું કે, ’મારવામાં આવેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ શોપિયાનાં જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. તે અન્ય આતંકવાદી ગતિવિધિઓ ઉપરાંત હાલમાં કુલગામ જિલ્લામાં 2 જૂનના રોજ બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં પણ સામેલ હતો. આ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવતા હતા.જણાવી દઈએ કે, બેન્કર વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા અને કુલગામમાં નોકરી કરતા હતા. થોડા સમય પહેલા આંતકવાદીઓએ ધોળા દિવસે તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કાશ્મીર ઝોન પોલીસે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, ’શોપિયા એન્કાઉન્ટર અપડેટ: પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા 2 આતંકવાદીઓ માર્યા ગયા. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આગળની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.’
સુરક્ષા દળોએ મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર ખાતે એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની નાગરિક સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલા બંને આતંકવાદીઓ એક જૂથનો હિસ્સો હતા. તેઓ અમરનાથ યાત્રા ઉપર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. અધિકારીએ આ એન્કાઉન્ટરમાં 5 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની પણ માહિતી આપી હતી.પોલીસના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પાકિસ્તાનના ફૈસલાબાદના રહેવાસી અબ્દુલ્લા ગૌજરી અને અનંતનાગના આદિલ હુસૈન મીર ઉર્ફે મુસાબ તરીકે થઈ છે. મીર 2018 માં વાઘા બોર્ડરથી વીઝા લઈને પાકિસ્તાન પણ ગયો હતો. તેમણે આગળ જણાવ્યું હતું કે, આ બંને આતંકવાદીઓ પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. સોપોરમાં એક એન્કાઉન્ટરમાં તેઓ બચી ગયા ત્યાર બાદ તેમની ઉપર સતત નજર રાખવામાં આવતી હતી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, શ્રીનગરના બેમિના વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિઓ અંગે મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્યાં ખાસ ચેક પોસ્ટ ગોઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન બંને શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસ દળો ઉપર અંધાધૂધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ એન્કાઉન્ટરમાં ઘાયલ 5 પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘટનાસ્થળેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા.