ભારતે બાસમતી ચોખાની નિકાસ માટે ભાવ 1200 ડોલર જેટલા ઉંચા રાખ્યા હોય, પાકિસ્તાન ભરપૂર નિકાસ કરી લાભ મેળવી રહ્યું હોય તેવામાં નિકાસકારોની માંગને ધ્યાનમાં રાખી પાકિસ્તાન સામે હરીફાઈમાં ટકી રહેવા સરકારે ભાવ બાંધણું ઘટાડીને 950 ડોલર કરી આપ્યું છે.
બાસમતી ચોખાની નિકાસ માટે કરારની નોંધણી માટેની કિંમત મર્યાદા પ્રતિ ટન1,200 ડોલરથી ઘટાડીને 950 ડોલર પ્રતિ ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે નિકાસ પ્રમોશન સંસ્થા મોકલેલા પત્રમાં આ જાહેરાત કરી છે.
અગાઉ પ્રતિ ટન 1200 ડોલરનું ભાવ બાંધણું હતું, નિકાસકારોની માંગ સ્વીકારી સરકારે ભાવબાંધણું ઘટાડી 950 ડોલર કર્યું
સરકારે 27 ઓગસ્ટે પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાના સંભવિત ગેરકાયદેસર શિપમેન્ટને પ્રતિબંધિત કરવા માટે પ્રતિ ટન 1,200 ડોલરથી નીચે બાસમતી ચોખાની નિકાસને મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો હતો.
તાજેતરમાં ખાદ્ય મંત્રાલયે કહ્યું હતું કે સરકાર ફ્લોર પ્રાઇસ ઘટાડવા ઉદ્યોગની માંગ પર વિચાર કરી રહી છે. સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે લઘુત્તમ ભાવ 1,200 ડોલર પ્રતિ ટનથી ઘટાડી 950 ડોલર પ્રતિ ટન કર્યો છે. મૂલ્યની દ્રષ્ટિએ, નાણાકીય વર્ષ 2022-23માં ભારતની બાસમતી ચોખાની કુલ નિકાસ 4.8 બિલિયન ડોલર હતી, જ્યારે જથ્થાની દ્રષ્ટિએ તે 45.6 લાખ ટન હતી. ચોખાના નિકાસકારોના સંગઠનો છેલ્લા બે મહિનાથી આ બેઝ પ્રાઈસમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન જેવા પાડોશી દેશોની કડક સ્પર્ધાને કારણે ભારત તેનું નિકાસ બજાર ગુમાવી રહ્યું છે. તેમણે એવી દલીલ પણ કરી છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભારતની સરેરાશ નિકાસ વસૂલાત 800-900 ડોલર પ્રતિ ટન રહી છે. આ માંગણીઓ વચ્ચે ખાદ્ય મંત્રાલયે 15 ઓક્ટોબરે કહ્યું હતું કે સરકાર બેઝ પ્રાઇસ ઘટાડવા ઉદ્યોગની માંગ પર વિચાર કરી રહી છે. અંતે સરકારે નિકાસકારોને રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે.