પ્રારંભે ગુજરાતીમાં અને પછી અંગ્રેજી-હિન્દીમાં આજ ક્રમે અનુસરસો તો બાળક સમજ કેળવીને ક્ષમતા સિધ્ધ કરી શકશે: નાના બાળકોમાં શ્રવણ-કથન કૌશલ્યોનો વિકાસ અતી મહત્વનો

આ ક્ષમતા સિધ્ધ કરવા જોયફૂલ લર્નીંગ, ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સ સાથે શૈક્ષણિક રમકડાંની ભૂમિકા અગત્યની: પ્રવૃત્તિ દ્વારા શિક્ષણથી બાળક જાતે ભણતો થાય છે: સ્વઅધ્યયનનું શિક્ષણમાં મહત્વ વધારે

આજે મોટા ધોરણના બાળકો વાંચી શકતા નથી, જે સમસ્યાના નિવારણ માટે નિપુણ ભારત અંતર્ગત 2027 સુધીમાં તમામ બાળકો વાંચન-ગણન અને લેખનની ક્ષમતા સિધ્ધ કરે તેવો લક્ષ્યાંક દેશના શિક્ષણ વિભાગે આપ્યો છે. બુનિયાદી શિક્ષણનો પાયો કાચો રહેવાથી છાત્રોમાં આ સમસ્યા જોવા મળે છે. મનોવિજ્ઞાનના તારણ મુજબ બાળક તેના પ્રારંભિક આ ગાળામાં 85 ટકાથી વધુ તેના મગજનો ઉપયોગ કરતો જોવા મળ્યો છે, ત્યારે શિક્ષકે આ તક ઝડપીને તેને શિક્ષણમાં રસ લેતા કરવો પડે છે. બાળકનો સ્વભાવ ચંચળ હોવાથી તે લાંબો સમય શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાયેલો રહી શકતો નથી, માટે તેને સતત રસ-રૂચી-વલણો આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપીને ભણતો કરવાનો હોય છે.

આપણાં દેશમાં અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સીસ્ટમ પ્રારંભથી જ નબળી જોવા મળે છે. બાળ મંદિરો કે પ્લે હાઉસ પોતાની રીતે નાના બાળકોને અભ્યાસ કરાવતા આવ્યા છે. બંધારણમાં પણ 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે મફ્ત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલ થતાં હવે શિક્ષણમાં બદલાવ આવ્યો અને પ્રારંભિક બાળ શિક્ષા અને સંભાળ અંતર્ગત પ્રથમ પાંચ વર્ષમાં પ્રથમ ત્રણ વર્ષ પ્રિ.સ્કૂલના અને બાકીના બે વર્ષ ધો.1-2 માટે થતાં, આ વર્ષે 6 વર્ષ પૂર્ણ થયા હોય તેને જ ધો.1માં પ્રવેશ અપાયો છે. આ ક્રાઇટેરીયા ન આવતા બાળકો માટે બાળવાટિકા શરૂ કરવામાં આવેલ છે.

છાત્રોના શિક્ષણ વિકાસમાં પ્રારંભિક કે બૂનિયાદી શિક્ષણનો પાયો પાક્કો થાય તો જ તે આગળના ધોરણમાં વય-કક્ષા મુજબની ક્ષમતા સિધ્ધ કરી શકાતો હોવાથી હવે આ નવા બદલાવમાં મોટી આશા જોવા મળે છે. બાળકોમાં વાંચન-ગણન અને લેખનની ક્ષમતા સિધ્ધ થાય તો જ તે સમજ કેળવીને આગળના ધોરણના અભ્યાસ માટે સમજ કેળવી શકે છે. હાલ માતૃભાષામાં ફરજીયાતપણે શિક્ષણનું ફરમાન થતાં હવે બાળક કકો-બારાક્ષરી શિખવા લાગતા તેને હિન્દી અને અંગ્રેજીની કકો-બારાક્ષરી આવડવા લાગી છે કે તે તેમાં રસ લેવા લાગ્યો છે. પાયાના શિક્ષણમાં શ્રવણ-કથન કૌશલ્યોનો વિકાસ ખૂબ જ જરૂરી છે, આના કારણે જ તે સાંભળે-બોલે-સમજે અને વિચારે છે.

બાળ સંર્વાગી વિકાસના પાયામાં વાંચન-ગણન અને લેખન જેવા કૌશલ્યોની ખિલવણી જરૂરી છે. આના મોનીટરીંગ માટે નિપુણ ભારતનો સર્વે પણ કરાયો હતો. કચાશ જોવા મળતા 2027 સુધીની ડેડલાઇન પણ અપાય છે. બાળક બોલતો-સાંભળતો થાય પછી લખતો-વાંચતો અને ગણતો થાય તે પાયાના શિક્ષણની જરૂરિયાત છે. આને માટે માતૃભાષાની બારાક્ષરી અને કકો આવડવો પ્રથમ જરૂરીયાત છે. આ બેઝ શિખડાવવા વિવિધ પ્રવૃત્તિ-રમતો રમાડવી પણ જરૂરી છે. બાળકને શાળાએ આવવું ગમે, ભણવું ગમે અને રમવું ગમે ત્યારે જ તે શિક્ષણ સાથે જોડાશે.

કકો-બારાક્ષરી આવડ્યા બાદ સાદા શબ્દો, કાના-માત્ર વાળા શબ્દો, પુરૂ વાક્ય, ફકરો જેવી સમજ કેળવીને વાંચન-લેખનની ક્ષમતાં સિધ્ધ કરે છે. ગુજરાતી બાદ તમે હિન્દી અને અંગ્રેજીને પણ તમે આજ રીતે જોડી શકો છો. વય-કક્ષા મુજબની આ રસમય પ્રવૃત્તિ દ્વારા બાળકને પાયાનું શિક્ષણ તમે રમતા-રમતા શિખવી શકો છો. પ્રિ.સ્કૂલમાં તો પ્રારંભે જ શ્રવણ અને કથન જેવા કૌશલ્યો પર ભાર મૂકવો જરૂરી છે, કારણ કે જો અહીં તેમનો રસ ઉડી જશે તો તે બાળક શિક્ષણની તમામ પ્રવૃત્તિમાં નિરસ થઇ જશે, ક્યારેક તો શાળા પ્રત્યેનો અણગમો થતાં શાળા અધ્ધવચ્ચેથી છોડી પણ દેશે.

પાયાના શિક્ષણ શ્રવણ-કથન-વાંચન-લેખન અને ગણન જેવા કૌશલ્યોનો બાળ શિક્ષણથી જ વિકાસ થવો જરૂરી છે. પર્યાવરણ જેવા વિષયોમાં બાળકના આસપાસના વાતાવરણની સમજ, તહેવારો-સંસ્કૃતિ જેવી અનેક સમજ કેળવી શકો છો. રમકડાં કે મૂર્ત-અમૂર્ત વસ્તુના માધ્યમ દ્વારા તમે ગણનની સામાન્ય સમજ પણ કેળવી શકો છો. વિદેશોમાં પાયાના શિક્ષણ પરત્વે વર્ષોથી વિશિષ્ટ કાળજી લેવાતી હોવાથી ત્યાં 100 ટકા શિક્ષણનો લક્ષ્યાંક સિધ્ધ થઇ ચુક્યો છે. આપણે હજી શાળા પ્રવેશોત્સવ કે ક્ધયા કેળવણીના રથ કાઢવા પડે છે. 100 નામાંકન આપણે સિધ્ધ કરી શકતાં નથી.

કોઇપણ બાળક વાંચતુ-ગણતું અને લખતું થઇ જાય પછી તેને ઉપલા ધોરણમાં તકલીફ પડતી નથી, પણ આપણે અહીં જ કચાશ જોવા મળતા ધાર્યા પરિણામ મળતા જ નથી. આપણી નવી શિક્ષણ નીતિમાં ઘણા બદલાવ આવ્યા છે, આવતાં જ રહેશે, શિક્ષકો અને છાત્રોએ અનુસરવા જ પડશે કે એ પ્રમાણેની ભણવાની કે ભણાવવાની ટેવ પાડવી જ પડશે. પ્રિ.સ્કૂલમાં રૂટીંગ શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિનું વિશેષ મહત્વ હોવાથી, સંગીત, ચિત્ર, રમત-ગમત જેવા વિષયોને સાંકળીને શિક્ષણને રસમય કે આનંદમય બનાવી શકાય છે. દરેક એકમના શૈક્ષણિક રમકડાં બાળકોને રમવા આપવા જેથી તે જાતે પ્રવૃત્તિ કરેને એકમના શૈક્ષણિક રમકડાં બાળકોને રમવા આપવા જેથી તે જાતે પ્રવૃત્તિ કરે ને સમજે-વિચારે અને જાતે ભણતો થાય છે. બાળકો નાના હોય ત્યારે તેનામાં જીજ્ઞાસાવૃત્તિ બહુ જ હોવાથી તે પ્રશ્ર્નો બહુ જ કરતા હોય છે, આવે સમયે શિક્ષકની ભૂમિકા ઘણી મહત્વની હોય છે.

શિક્ષણના નવા બદલાયેલા સ્વરૂપમાં પ્રારંભથી પ્રવૃત્તિ પોથી અને બાળ-વાટિકાના કલરફૂલ પુસ્તકો આવતા નાના ટબુકડાને ભણવાની હોંશ વધી છે. બાળક જોઇને સૌથી વધુ શીખતો હોવાથી, મોટા કલરફૂલ ચિત્રો તેના વિકાસમાં ઘણી મદદ કરે છે. શાળા તત્પરતા માટે પણ વેકેશનમાં જ તેને પ્રવૃત્તિપોથી આપી દેવાથી બાળક જાતે તેમાં ચિત્રો-કકો-સંખ્યા વિગેરે કરવા લાગવાથી ઘણું કામ સરળ થયું છે.

પ્રિ.સ્કૂલ અને ધો.1-2માં બાળકને આટલું આવડવું જરૂરી

નાના ટબૂકડા બાળકો ઘર-પરિવારમાંથી ઘણું શિખી-સમજીને શાળાનાં પ્રથમવાર પગથિયા ચડે ત્યારે શાળા વાતાવરણ તેના બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણનો મુખ્ય ઉદ્ેશ શ્રેષ્ઠ નાગરિક ઘડતર સાથે બાળકનો સંર્વાગી હોવાથી શિક્ષણનો આ અર્લી-ચાઇલ્ડ-એજ્યુકેશન સૌથી મહત્વનો ભાગ બને છે. પ્રિ.સ્કૂલના ત્રણ વર્ષ અને ધો.1-2 મળી કુલ પાંચ વર્ષમાં બાળકને લખતા-વાંચતા-ગણતા સાથે સરવાળા-બાદબાકી-ગુણાકાર કે ભાગ કરવાની ક્રિયા આવડવી જ જોઇએ. ગુજરાતી અને હિન્દી અને અંગ્રેજી જેવી સર્યોટીંગ લેંગ્વેજ પણ તેને આવડવા લાગે છે. સારા અક્ષરની ટેવ, રંગ પૂરણી, પ્રોજેક્ટ વર્ક જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિવડે તેને શિક્ષણ સાથે સતત જોડી શકો છો. આ તબક્કામાં તેની વય-કક્ષા મુજબ દરેક ક્ષમતા સિધ્ધ થવી જરૂરી છે. શિક્ષકની કાળજી સાથે આજના યુગમાં મા-બાપે પણ રસ લેવો જરૂરી છે. કૌશલ્યો સિધ્ધ થયા બાદ બાળક જાતે જ ભણતો થઇ જવાથી પછી તેને માત્ર માર્ગદર્શન વખતે શિક્ષક કે મા-બાપની જરૂર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.