- શીતલ પાર્ક નજીક આવેલી મીન્ટીફી ફીનસર્વ બેંકના ત્રણ કર્મચારીઓએ કમિશન મેળવવા કૌભાંડ આચરી લીધાનો ખુલાસો
- યુનિવર્સિટી પોલીસે ઠગાઈ સહિતની કલમો હેઠળ ત્રણ કર્મચારીઓ અને 25 ગ્રાહકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
- રાજકોટ, પડધરી, જામનગર, મહેસાણા, અમદાવાદમાંથી ગ્રાહકો શોધી ખોટા બિલ રજુ કરી લોન આપી દેવાઈ : બાદમાં એક પણ હપ્તો ભરાયો જ નહિ
- બ્રાન્ચ મેનેજર હિતેન્દ્રસિંહ ઝાલા, ફોર્મલિક એન્જિનિયર અમિત ધારેલીયા તેમજ ત્રણ ગ્રાહકોની અટકાયત : પૂછપરછનો ધમધમાટ
શહેરના શીતલપાર્ક નજીક આવેલ ખાનગી બેંક સાથે રૂ.4.13 કરોડની છેતરપીંડી આચરી લેવાયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ મામલે યુની. પોલીસે છેતરપીંડી, ફોર્જ દસ્તાવેજ સહિતની કલમ હેઠળ કંપનીના ત્રણ કર્મી અને 25 ગ્રાહકો મળી 28 શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.રાજકોટ, જામનગર, પડધરી, કાંગશિયાળી, મહેસાણા, અમદાવાદમાંથી ગ્રાહકો શોધ્યા, ગ્રાહકોની કંપની માટે ખોટા બિલ રજૂ કરી કરોડો રૂપિયાની લોન લઈ એક પણ હપ્તો ન ભરી ઠગાઈ કરી હતી. મામલામાં પોલીસે બે બેંકકર્મી સહીત પાંચને અટકાયતમાં લઇ પૂછપરછ શરૂ કરી છે.
બનાવ અંગે સુરતમાં પાલનપુર જકાતનાકા રોડ પર રહેતાં ચંદ્રેશ મોટુમલ જોબનપુત્રા (ઉવ.30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મીન્ટીફી ફીનસર્વ લીગલ મેનેજર તરીકે ગુજરાત રાજયમાં કામ કરે છે. કંપનીમાં ફરીયાદ કરવાની તથા તમામ પ્રકારની પ્રોસીરીંગ કરવાની સતા તેઓને આપેલ છે. કંપનીની મુખ્ય ઓફીસ અંધેરી ઇસ્ટ મુંબઈ ખાતે આવેલ છે. કંપની બે પ્રકારની સીક્યોર અને અનસીક્યોર લોન આપે છે. રાજકોટમાં શિતલ પાર્ક સ્પાય2-2 ઓફીસ નં.1324 મીન્ટીફી ફીનસર્વ ઓફીસ ધરાવી ધંધો કરે છે.
કંપનીમાં લોન લેવા માટે આવે ત્યારે ગ્રાહકની સીબીલ સ્કોર જોવામાં આવે છે. તેમજ ઇન્કમ ટેકસ રીટર્ન તથા છેલ્લા એક વર્ષના બેંક ટ્રાન્ઝેક્શન, એસેટ વેલ્યુ પણ જોવામાં આવે છે. કંપનીમાં સેલ્સ મેનેજર તથા બ્રાંચ મેનેજર તથા થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારીઓ ફરજ બજાવે છે. જ્યારે કોઈ પણ ગ્રાહક લોન લેવા અથવા સેલ્સ મેનેજર દ્વારા ગ્રાહક લાવવામાં આવે ત્યારે તેઓ દ્વારા તેના ડોક્યુમેન્ટની ચકાસણી કરી તેઓની ક્ષમતા મુજબની લોન મળવાપાત્ર હોય તો જરૂરી રેકર્ડ સાથે તથા કંપનીના નિયમોનુસાર વિગતનું ફોર્મ ભરી બ્રાંચ મેનેજર દ્વારા ફોર્મ સંબંધે રાખેલ રેકર્ડની ચકાસણી કરી તેમાં કંપનીના નિયમોનુસાર વિગતો ભરી વડે પાર્ટી ઈન્સ્પેકશન માટે એગ્રીમેન્ટ કરેલ ફોર્માલીક એન્જીનિયર કંપનીના કર્મચારી દ્વારા સ્થળ ઉપર ભૌતિક ચકાસણી કરી તેમજ રજુ કરેલ રેકર્ડની ખરાઈ કરી, પરત રીપોર્ટ બ્રાંચ મેનેજરને સોંપવામાં આવે છે.
બાદ બ્રાંચ મેનેજર દ્વારા કંપનીને રીપોર્ટ કરી ગ્રાહકને લોન આપ્યા બાદ પણ બ્રાન્ચ મેનેજર તરીકે સમયાંતરે લોન ધારકોના રજૂ કરેલ મોરગેજ પ્રોપર્ટી તથા મશીનરીની ભૌતિક ચકાસણી પણ કરવાની રહે છે. કંપનીમાં અમીત ઘનશ્યામ પરેજીયા કે જેઓ થર્ડ પાર્ટી ઈન્સ્પેકસન માટે કંપનીએ એગ્રીમેન્ટ કરેલ ફોર્મલીક એન્જીનીયરના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમજ હીતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા રાજકોટ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે તેમજ આકાશ દીલેશ વ્યાસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
ગઈ તા. 30/09/2023 થી તા.30/06/2024 દરમ્યાન ગ્રાહકોએ કંપનીના ત્રણેય કર્મચારીઓ સાથે મળેલ અને પોતાની જરૂરીયાત મુજબની લોનની માંગણી કરતા રજુ કરેલ રેકર્ડ આધારે લોન મળવા પાત્ર ન હોય, તેમ છતા ગ્રાહકોને લોનના નાણા અપાવેલ હતા.
કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા આકાશ વ્યાસની જવાબદારી માર્કેટમાંથી ગ્રાહક શોધી તેઓની જરૂરીયાત મુજબની લોન માટે તેમની પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવી ચકાસણી કરી જો પુરાવા વિશ્વસનીય જણાય તો તેની ફાઈલ તૈયાર કરી, બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલા સમક્ષ રજુ કરતા, ત્યારબાદ બ્રાન્ચ મેનેજર દ્રારા રજુ કરેલ તમામ રેકર્ડ કંપનીના નિયમ અનુસાર ચકાસણી કરી ગ્રાહકની આવકની પણ ચકાસણી કરી લોન લેવા સારૂ સક્ષમ છે કે કેમ? તથા રજુ કરેલ પુરાવા સાચા છે કે કેમ? તેની પુરતી ચકાસણી કરી બાદ લોન ગ્રાહકે રજુ કરેલ તમામ રેકર્ડ કંપની દ્રારા લોન મંજુર કરતા પુર્વે કંપની દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ફોર્મલીક એન્જીનીયર દ્રારા નિમણુંક પામેલ કર્મચારી અમીત પરજીયા સાથે મળી ઉપરોક્ત તમામ રેકર્ડ મુજબ લોન ધારકને સાથે રાખી સબંધિત કચેરી મારફતે રેકર્ડની ખરાઈ, સ્થળ નિરીક્ષણ, મશીનરીની ચકાસણી કરી રજુ કરેલ તમામ રેકર્ડ તથા બીલો ખરેખર સાચા છે કે કેમ? તેની પુર્ણ ખાતરી કર્યા બાદ કંપનીના ધારા ધોરણ મુજબ વેલ્યુએશન નકકી કરી મળવા પાત્ર લોન ત્રણેય કર્મચારીઓના સેલ મુજબ હારાત્મક રીપોર્ટ સાથે વડી કચેરીએ મોકલતા વડી કચેરી દ્રારા લોન સેન્સન કરવામાં આવે છે. જેથી ત્રણેય કર્મચારીઓએ મળી ખોટા રેકર્ડ આધારે ગ્રાહકોને લોન આપી મસમોટું કમીશન મેળવવા ગ્રાહકો તો સાથે મળી કાવતરૂ રચી તમામ ગ્રાહકોના રજુ કરેલ રેકર્ડ ખોટા હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી ગત તા. 30/09/2023 થી તા.30/01/2024 દરમ્યાન ગ્રાહકોને રૂ.4.13 કરોડની લોન અપાવેલા હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જયોતિ સીએનસી ઓટોમેશનના બોગસ બિલ રજુ કરાયા
રાજકોટમાં રાધેકિષ્ના ટાપુભુવન પ્લોટ નં 1/બી ક્રિષ્ના નગર રોડ સ્વામીનારાયણ ચોકમાં રહેતાં શ્રી પાવડર કોટીંગના માલીક અમીત મનહરભાઈ બોરડએ તા.17/07/2024ના રૂ.40 લાખની લોન લીધેલ છે. તેમજ એસ.કે.એન્ટરપ્રાઇઝ જેના માલિક પાર્થ કમલેશ દુધાતરા (રહે. કાંગશીયાળી અક્ષરાતીત ઇ-વીંગ ફલેટ નં 308) તથા શિલ્પા પાર્થ દુધાત્રાએ પ્રોપર્ટી તથા જયોતિ સીએનસી ઓટોમેશનના ખોટા બિલ રજૂ કરી તા.21/01/2024 ના રૂ.25 લાખની લોન લીધેલ છે. રાજકોટની શ્રીજી ટ્રેડીંગના માલીક અરજણ વિઠ્ઠલભાઈ આસોદરીયા તથા શીલ્પાબેન આસોદરીયા (2હે. 11 શેરી નં 3 ગોકુલ પાર્ક, રણુજા મંદીર પાસે, કોઠારીયા રોડ) એ રૂ.34 લાખની તા.16/03/2024 ના લોન લીધેલ છે.
પંચાયતના ખોટા રેકર્ડ રજુ કરી રૂ.20 લાખની લોન મેળવી લેવાઈ
જય ભવાની એન્ટરપ્રાઈઝના માલીક કૌશલ્યકુમાર હર્ષદભાઈ દક્ષિણી, ક્રિષ્ના અશ્વિનભાઈ ઠકકર (બંને રહે. સુંદરી ભવાની ચોક, શીતલા માતા મંદીર સામે, ગરબી ચોક, રામજી મંદીર, સુરેન્દ્રનગર) ભેગા મળી હળવદના સુંદરી ભવાની પંચાયત ઉપર મિકલત નં 132, 129, જેમાં પંચાયતનું રેકર્ડ રજુ કરેલ, જે રેકર્ડ ખોટું અને બનાવટી હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી કંપનીમાંથી તા.30/09/2023 ના રૂ.20 લાખ મેળવેલ છે.
કોણે કેવી રીતે મેળવી લોન?
માં હાર્ડવરના માલીક જતીન પ્રવીણભાઇ કણજારીયા અને મોનીકા કણજારીયા (રહે. ગોકુલધામ સોસાયટી, પ્લોટ નં 42/3, જામનગર) એ પ્રોપર્ટી તથા મશીનરી બાટી બાયોના ખોટા બીલ રજુ કરી તા.29/02/2024 ના રૂ.35 લાખની લોન લીધેલ છે. દ્રારકેશ કેડ કેમ્પના માલીક કણજારીયા હીતેશ મુળશીભાઈ ( રહે. કંજારીયાનગર, ખાખરીયા કોલોની, આહીર ચોક, રાજકોટ), ક્મલેશભાઈ જમનાદાસ પાડલિયા (રહે, બી-પ્રથમ હાઇર્ટસ, સૌરાષ્ટ્ર હોટલની પાછળ, કાંગશીયાળી) એ માઈક્રોમેટીક મસીન ટુલ્સની મશીનરીના ખોટા બીલ રજૂ કરી તા.30/03/2024 ના રૂ.15 લાખની લોન લીધેલ છે.
મહેક ઈન્ટરનેશનલના માલીક જગદીશ છગનભાઈ ચૌહાણ તથા પ્રજ્ઞાબેન ચૈાહાણ (રહે. બંને શ્રુતિ પાર્ક, નારાયણનગર, હરીયા કોલેજ પાસે, જામનગર) એ ગેડી વેઇલરના ખોટા બિલ રજૂ કરી માત્ર સ્ટ્રોક ઉપર તા.29/12/2023 ના રૂ.40 લાખની લોન લીધેલ છે. આરતી એન્ટરપ્રાઇઝના માલીક વિનોદભાઈ નાનજીભાઇ પારવીયા તથા પુષ્પાબેન પારવીયા (રહે.દ્રારકેશ -3, પ્લોટ નં 168/1, સંઢિયા પુલ પાસે, જામનગર) એ અમીત એન્જીનીયરીંગના ખોટા બિલ રજૂ કરી તા.30/12/2023 ના રૂ. 50 લાખની લોન લીધેલ છે.
આદી એન્ટરપ્રાઇઝના માલીક ચીરાગ ભરતભાઈ અને ભરતકુમાર ધારવીયા (રહે,23 ગોકુલનગર, ચામુડા પાન પાર્લર પાસે, શ્યામનગર પાછળ, જામનગર) એ રાધે પ્રોડક્ટના મશીનરીના ખોટા બીલો રજુ કરી તા.30/12/2023 ના રૂ.25 લાખની લીન લીધેલ છે. કે.કે.ઓટોમેશનના માલીક જયદીપભાઈ ખીમજીભાઈ ચૌહાણ તથા પુનમ હીનાબેન કંજારીયા (રહે. 721- કે શ્રદ્ધા સોસાયટી શેરી નં 5, નેહરૂનગર 80 ફુટ રોડ રાજકોટ) એ માધવ એન્ટરપ્રાઇઝના ખોટા બિલ રજૂ કરી તા.11/10/2023 ના રૂ. 30,31,517 ની લોન લીધેલ છે.
માં જનરલ સ્ટ્રોરના માલીક નરેન્દ્ર છગનદાસ અગ્રાવત તથા તેમના પત્નિ કાજલબેન અગ્રાવત (રહે. મોટા ખીજડીયા, બસ સ્ટેન્ડની બાજુમાં શેરી નં.3, પડધરી) એ પોતાની પ્રોપર્ટી મોટા ખીજડીયાના ઘર નં.484 ના પંચાયતનું ખોટું રેકર્ડ ઉભું કરી તા-30/09/2023 ના રૂ.10 લાખની લોન લીધેલ છે.
પુજા પેકેઝીંગના માલીક રાજપુત રાજદેવસિંગ મુરારીસીગ તથા રેખા રાજપુત (રહે,વિસનગર રોડ પ્લોટ નં.370, નેશનલ હાઇવેન્ટ, વિસનગર સેડ, કઠવાડા, મહેસાણા) એ પ્રોપટી તથા લુસાઈ ઇન્ડસ્ટ્રીઝના મસનરીના ખોટા બીલ રજૂ કરી તા.31/01/2024 ના રૂ.25 લાખની લીધેલ છે.
દીયા પ્લાસ્ટીકના માલીક ડોલી ભાવીક ઠક્કર તથા ભાવીક ઠકકર (રહે. વિશાદ રેસીડન્સી, દેવપરીયા બંગ્લોજ -2, આનંદનગર સેડ, વૈજલપુર, અમદાવાદ) એ મારૂતિ નંદન પ્લાસ્ટિક મશીનરીના ખોટા બીલો રજુ કરી તા.17/01/2024 ના રૂ.13 લાખની લોન લીધેલ છે.