પહેલાનો જમાનો અને અત્યારનો જમાનો કેટલો અલગ થઈ ગયો છે… થઈ જ જાય ને..!! સમય થોડી કાયમ એક રહે છે. અગાઉચીજ વસ્તુઓની ખરીદી કરી પોતાની જરૂરિયાતો સંતોષવી કેટલી અઘરી હતી એ તો એ વખતના માણસને જ ખબર હશે..!! અને હાલ, આજના સમયમાં તો બેન્કિંગ હોય કે અન્ય સેવા તેને મેળવવી ટમેટા, બટેટાની ખરીદી જેટલી સરળ બની ગઈ છે. રૂપિયાના સિક્કા કે કાગળની નોટોનું સ્થાન હવે ઓનલાઈન ચુકવણાં, ડિજિટલ કરન્સીએ લઈ લીધું છે. પ્રાચીન સમયમાં લોકો ચીજ-વસ્તુની ખરીદી કે વેચાણ લેવડ-દેવડ મારફત જ કરતા એટલે કે વિનિમય પ્રથા અમલમાં હતી.
કોઈ વ્યક્તિને અનાજ, કઠોળ જોઈતું હોય તો ખેડૂત પાસે જવું પડતું અને પોતે માલધારી હોય તો તેના બદલામાં ખેડૂતને પોતાના ગાય, ઘેટાં-બકરાં નક્કી કરેલ મૂલ્યમાં આપી દેતો. પણ આ મૂલ્ય નક્કી કેમ કરવું..? આ એક મોટો પ્રશ્ન હતો. સમય જતાં અવનવી તકનિકીઓ આવી અને રૂપિયો અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ બેંકિંગ સેવા અસ્તિત્વમાં આવતા પ્લાસ્ટિક કરન્સી એટલે કે હાલ આપણે જે ક્રેડિટ, ડેબિટ કે એટીએમ કાર્ડ વાપરીએ છીએ તે ચલણમાં આવ્યા. અને હવે પછીના જમાનામાં આર્ટિફિશયલ/ વર્ચ્યુઅલ કરન્સી સર્વેસર્વા બનવા તરફ ઝડપભેર આગળ ધપી રહી છે. બાર્ટરથી શરૂ થયેલી વિનિમય પ્રથા બીટકોઈન (ક્રીપ્ટો કરન્સી) સુધી પહોંચી ગઈ છે.
ચીનમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ ભારત માટે એક મોટી તક કેમ..?
હાલ જેમ વિનિમય પ્રથા લુપ્ત બની છે તેમ આગામી સમયમાં કાગળની નોટોના રૂપિયા અને પ્લાસ્ટિક કરન્સી પણ લુપ્ત બની જાય તો નવાઈ નહીં..!! કારણકે બીટકોઈન, ક્રિપ્ટો જેવી ડિજિટલ કરન્સીનો ક્રેઝ ખૂબ વધતો જઈ રહ્યો છે. ફિઝિકલની જગ્યાએ ડિજિટલ કરન્સી તરફ મોટાભાગના દેશો વળ્યાં છે. જેમાંથી ભારત પણ બાકાત નથી. ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે…
ફિલ્મી ગીતની જેમ ભારતે પણ ના ના કરતા ડિજિટલ કરન્સી તરફનો રૂખ અપનાવી લીધો છે. જે આજના ડિજીટલાઈઝેશનના યુગમાં જરૂરી પણ છે તો સામે તેની નકારાત્મક અસરો પણ છે. ડિજિટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો તો છે પણ આ સાથે તેની સામે સાયબર સુરક્ષાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. હેકિંગના બનાવ વધ્યા છે. જો કે ડિજિટલ કરન્સીનું ભારતીયો સહિત વિશ્વ આખાના રોકાણકારોને છે ઘેલું લાગ્યું છે તે કઈ અમથું નથી લાગ્યું, તેના અનેક મોટા ફાયદાઓ પણ છે.
બીટકોઈન, શિબા ઈનું કે અન્ય વર્ચ્યુઅલ કોઈન જેવી ડિજિટલ કરન્સીના કારણે વ્યવહારો ઓનલાઇન બનતા કાળાનાણા ભ્રષ્ટાચારને કાબુમાં લઈ શકાશે. તો આ સાથે કોરોના મહામારી બાદનો જે સૌથી મોટો અને જટિલ કહી શકાય તેવો પડકારરૂપ પ્રશ્ન છે ફુગાવાનો તેને પણ મહદઅંશે નિયંત્રિત કરી શકાય છે. વધતો જતો ફુગાવો માત્ર ભારત જ નહીં અમેરિકા જેવા વિકસિત દેશોની પણ સમસ્યા છે. જેને કાબુમાં બીટકોઈન રાખી શકે છે. બીટકોઈન કે અન્ય ડિજિટલ કરન્સીએ ફિઝિકલ રૂપિયાનું સ્થાન લેતા માર્કેટમાં સર્ક્યુલેશન ઘટશે. કેમ કે બીટકોઈન થકી નાણાંકીય વ્યવહારો ઓનલાઈન બનતા બજારમાં એ રૂપિયાનું સર્ક્યુલેશન થશે નહીં, ફિઝિકલ બજારમાં નોંધ જ નહીં લેવાય.
આમ, માર્કેટમાં મની સર્ક્યુલેશન ઘટશે, જેનાથી ચીજ-વસ્તુઓની કિંમત ઘટશે અને ફુગાવાને ઘટાડી શકાશે. તાજેતરમાં અમેરિકામાં ઈંફ્લેશન રિપોર્ટ જારી થયો. જેમાં ગત મહિનાની સરખામણીએ આ મહિનામાં 0.9 ટકાનો મોંઘવારી દર નોંધાયો. જેના કારણે હાલ બીટકોઈન કેવી રીતે ફુગાવાને નિયંત્રણમાં કરવામાં મદદ કરી શકે છે તે બજાર વિશ્લેષકો અને રોકાણકારોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. નિષ્ણાતોના મતે બીટકોઈન 99.99 ટકા ફુગાવો ડિફલેશનમાં કન્વર્ટ કરી શકે છે.