- બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા અટકયા બાદ બોલાચાલીમાં મારા મારી
શહેરના ભગવતીપરા વિસ્તારમાં શેરીમાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા સહેજમાં અટકયા બાદ આ બોલાચાલી થતા આ જ વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે છરી-ધોકા અને બેટ વડે મારામારી થઇ હતી.જેમાં બંનેપક્ષોએ મળી પાંચને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.આ અંગે સામસામી ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
મારામારીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ભગવતીપરમાં મિયાણાવાસ નદીના કાંઠે રહેતા કોળી અને દેવિપૂજક પરિવાર વચ્ચે ધોકા-છરી અને બેટ વડે મારમારી થઇ હતી.જેમાં અનિલ ઉર્ફે લાલો ધનજીભાઇ જીંજરીયા અને સામાપક્ષે અનિલ ગભરૂભાઇ ભોજૈયા તેના ભાઇ સાગર ગભરૂભાઇ તેની માતા ઉષાબેન અને બહેન હીનાને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે અનિલ ભોજૌયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે સાંજે તે પોતાની રિક્ષા લઇને અહીં ભગવતીપરા નદીના કાંઠે ત્રિમુર્તિ ચોકની અંદર શેરીમાં વળાંક લેતા હતો.ત્યારે સામેથી અનિલ ઉર્ફે લાલો જીંજરીયા બાઇક લઇને આવતા બંને વચ્ચે અકસ્માતમાં સહેજમાં થતો અટકયો હતો.
બાદમાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ અનીલ ઉર્ફે લાલાએ અન્ય આરોપી મનોજ જીંજરીયા,ધનજી જીંજરીયા અને નીતા જીંજરીયા સહિતના આવી ગયા હતા અને યુવાન અને તેના ભાઇ સાગર સહિતના પર છરી ધોકા અને બેટ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જયારે સામાપક્ષે અનિલ ઉર્ફે લાલા જીંજરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સાગર ગભરૂભાઇ ભોજૈયા અને હીના ગભરૂભાઇ ભોજૈયાના નામ આપ્યા છે.જેમાં જણાવ્યું હતું કે તે બાઇક લઇ ફાકી લેવા માટે જતો હતો ત્યારે આરોપીની રિક્ષા સાથે અકસ્માત થતા સહેજમાં અટકતા તેને વાહન સરખુ ચલાવવાનું કહેતા તેમણે ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.આ અંગે સામસામી પોલીસ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.