વૈશ્ર્વિક મહામારી કોરોનાએ દરેકનું જીવનધોરણ, આર્થિક પરિસ્થિતિ બગાડી છે. ગત આખું વર્ષ શાળા-કોલેજ બંધ રહ્યા બાદ કોરોનાના કેસો ઘટતા શરુ થવા પામી હતી પરંતુ ફરી એક વર્ષ બાદ એની એ જ પરિસ્થિતિ આવી જતા અને કોરોનાનું સંક્રમણ વધતા ફરી શાળા-કોલેજ બંધ થવાનો નિર્ણય લેવાતા વાલીઓ- વિઘાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં ‘અબતક’ સાથે વાલીઓએ શાળા-કોલેજો બંધ થતાં પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.
હાલ ચુંટણી યોજવાની જરૂર નહોતી: હિતેશ પંડયા
હિતેશ પંડ્યા વાલીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલની કોરોના મહામરીની સ્થિતિ જોતા સરકારે જે શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો છે તે એકદમ યોગ્ય છે. હમણાં જે ચૂંટણી યોજાઈ તે ખરેખર હાલ યોજવાની જરૂર નહોતી જે અત્યારે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. આમાં ઘણા વિદ્યાર્થીઓને નુકશાન થશે.
શાળા બંધ થતાં વિઘાર્થીઓ માટે મોટી મુશ્કેલી: ભરતભાઇ મિસ્ત્રી
ભરતભાઇ મિસ્ત્રીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા બે બાળકો 10 અને 12માં ધોરણમાં ભણે છે. લોકડાઉનમાં પણ મહા મહેનતે પૈસા ભેગા કરી મારા છોકરાની ટ્યૂશન ફી ભરી છે. છોકરાવને ભણાવવા ખૂબ મહેનત કરું છું ત્યારે એમની પરીક્ષા સમયે જ શાળા કોલેજો બંધ કરવી પડે છે. જે મારા બાળકો અને વિદ્યાર્થીઓ માટે ખોટ ઉભી કરશે.