Abtak Media Google News
  • છેલ્લા બે દિવસમાં જૂનાગઢમાં વાદળોની ફોજ સાથે મેઘરાજાએ મૂકામ કર્યો હોય તેમ વંથલીમાં 21 ઇંચ, વિસાવદરમાં 18 ઇંચ, માણાવદર-કેશોદમાં 13 ઇંચ અને જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો
  • સોરઠમાં 10 હજારથી વધુ લોકોનો સંપર્ક તૂટ્યો: રાવણ-ખેડ પંથકમાં બેટમાં ફેરવાયા: જૂનાગઢમાં ભારે વરસાદથી સમગ્ર જિલ્લો જળ બંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા

સોરઠ પંથકમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેમ જૂનાગઢ, વંથલી, વિસાવદર અને કેશોદમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. બે દિવસમાં વંથલી-વિસાવદરમાં 20થી લઇ 22 ઇંચ વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં કાચું સોનું વરસ્યું છે. સોરઠ પંથકમાં તો ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લો જળ બંબાકાર થયો છે અને અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ જાણે વાદળોની ફૌજ સાથે મુકામ કર્યો હોય તેમ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર, વિસાવદર અને વંથલીમાં બે દિવસમાં આભ ફાટ્યું હોય તેમ 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ-સોરઠ પંથકમાં મેઘરાજા ભારે કોપાયમાન થયા છે અને મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં નદી અને ચેકડેમ ઉભરાઇ રહ્યા છે. જેને પગલે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. સોરઠ પંથકમાં ભારે વરસાદથી 10 હજાર લોકો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત સતત પડી રહેલા ભારે વરસાદને ધ્યાને લઇ આજે જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જાહેર રજા કરવામાં આવી છે. ગીરનાર પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ભવનાથમાં ધસમસતા પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદને કારણે તમામ અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા તેમજ રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાની પણ માહિતી સામે આવી છે. કેશોદમાં પણ ધોધમાર વરસાદને પગલે ખેડ પંથકની જીવાદોરી સમાન ઓજત નદીમાં નવા નીર આવ્યા છે. માણાવદરમાં પણ જળ બંબાકારની સ્થિતિ સર્જાતા રસાલા ડેમ ઓવરફ્લો થયો છે અને જૂનાગઢનો વિલિડગ્ટન ડેમ પણ ઓવરફ્લો થયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 15 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 13 ઇંચ, જૂનાગઢ શહેરમાં 12 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 10 ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 9 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 8 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 8 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 7 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 7 ઇંચ, માળીયા હાટીનામાં 5.5 ઇંચ, અમરેલીના રાજુલામાં 6 ઇંચ, મોરબીમાં 6 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 5 ઇંચ, ભાવનગરના મહુવામાં 5 ઇંચ, ગીર ગઢડામાં 5 ઇંચ, ઊનામાં 5 ઇંચ તેમજ પોરબંદરના કુતિયાણામાં પણ 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજેપણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી તેમજ દ્વારકામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જૂનાગઢ આસપાસના 9 ગામોના રસ્તા પ્રભાવિત થયા ગ્રામ્ય, તાલુકા, જિલ્લાના અધિકારીઓને હેડ ક્વાર્ટર રહેવા કલેક્ટરનો આદેશ

જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર વરસાદને પગલે ઘણા ખરા રસ્તાઓ પ્રભાવીત થયા છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા, ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા અને ગ્રામ્યસ્તરે પણ કામગીરી કરવા સૂચના અપાઇ છે. રસ્તાઓમાં અગતરાય

આખા ટીકર, માણાવદર રોડ, નરેડી બોડકા પીપલાળા સારંગપીપળી રોડ, પાજોદ-લીંબુડા-ઇંદ્રા રોડ, માંડોદરા-કોયલાણા-કોઠડી રોડ, જૂનાગઢ ધંધુસર રવની છત્રાસા રોડ, મંગલપુર જોનપુર બાપસાણા રોડ અને પાનખર સીલોદર રોડનો સમાવેશ થાય છે. જેના વૈકલ્પિક રસ્તાની પણ ગ્રામજનોને જાણ કરવામાં આવી છે.

પ્રથમ વરસાદે વિલીંગ્ડન ડેમને ઝલકાવી નાખ્યો આહલાદક દ્રશ્યો જોવા શહેરીજનો ઉમટી પડ્યા

સોરઠ પંથકમાં જાણે મેઘરાજાએ જમાવટ કર્યો હોય તેમ પ્રથમ વરસાદમાં જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલીંગ્ડન ડેમ છલોછલ થયો છે. શહેરને પાણી પુરૂં પાડતા ત્રણ જળાશયોમાંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે સૌથી મોટો ડેમ હસ્નાપુરમાં પાણીની

જંગી આવક થઇ છે. જૂનાગઢમાં બામણાસા અને મતીયાણા પાસે ઓજત નદીનો પાળો તૂટ્યો છે. તેના પગલે બાલા ગામ, ઝાલાવડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહના કારણે ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદને કારણે ઓજત નદીમાં પૂર આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.