બાર ગાવે બોલી બદલે… તરૂવર બદલે શાખા…

બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા…

વૈશ્ર્વિક સંસ્કૃતિ અને ભાષા સાહિત્યમાં ગુજરાતી ભાષાનું સવિશેષ મહત્વ, માન અને તેની વિશિષ્ટતા રહેલી છે. જ્યાં જાય ગુજરાતી ત્યાં વસે ગુજરાત… વૈશ્ર્વિક ભાષાકીય સંસ્કૃતિમાં ગુજરાતનો પ્રસાર-પ્રચાર અને તેની પ્રદેશ મુજબ બોલી અને ઢાળ બદલવાની વિશિષ્ટતાના કારણે વિશ્ર્વમાં તમામ જગ્યાએ ‘ગુજરાતી’ બરાબર ફીટ થઈ જાય છે. ગુજરાતી ભાષામાં બાર ગાવે બોલી બદલાઈ જાય છે. સોરઠ, સૌરાષ્ટ્ર, હાલાર, કચ્છ, કાઠીયાવાડ, બરડો, બારાડી, સુરતી, મહેસાણી, પાંચાળ અને અમદાવાદી એમ પંથક-પંથકમાં ગુજરાતી અલગ અલગ બોલાય છે.

જુદા જુદા પ્રદેશોમાં ગુજરાતી કઈ કઈ રીતે બોલાય છે તે વચ્ચેના તફાવત બોલી, બોલચાલની વાતો અને અભિવ્યક્તિઓની સાથે સાથે ગુજરાતી ભાષામાં કોઈપણ શબ્દનો ઉચ્ચાર કેવી રીતે થાય છે તે મહત્વનું છે. ભાષા સાહિત્ય અને તેની વૈવિધ્યતામાં ગુજરાતી સતતપણે અપડેટ લાવતી ભાષા છે. ઝવેરચંદ મેઘાણીની સોરઠની રસથાળના એક-એક શબ્દ અલગ અલગ ઉચ્ચારણો અને તેની અભિવ્યક્તિની વિવિધતા પર સંશોધન કરે તો ક્યારેય વિષય પુરો ન થાય, રામાયણ તો અનેક કાળોથી અસ્તિત્વમાં છે. વંચાય  છે, ગવાય છે અને સંભળાય છે પણ સંત મોરારીબાપુની રામકથામાં લાખોની મેદની શા માટે એકત્રીત થાય છે. મોરારીબાપુની ભાષા સરળ, દરેકને સમજાય તેવી, શીરાનો કોળીયો જેવી રીતે ગળે ઉતરી જાય તેમ મોરારીબાપુ રામાયણના ગુઢ રહસ્યોને સરળતાથી સમજાવી દે છે. આ જ ગુજરાતી ભાષાની કમાલ છે. ગુજરાતીમાં શબ્દો કરતા તેની અભિવ્યક્તિ મહત્વની છે. સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગુજરાતી અલગ અલગ રીતે બોલાયા છે. બાર ગાવે બોલી બદલાય જ જાય છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટાઉન યુનિવર્સિટીના રાજેન્દ્ર મૈથરી અને વિનુ ચાવડા દ્વારા કેપ્ટાઉન ગુજરાતી અને ગુજરાતી ભાષા સાથે સંબંધનો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષામાં વૈવિશ્ર્વ ઉચ્ચારણો, હાવભાવ વચ્ચે ગુજરાતીમાં એકરૂપતા જાળવવાની ખુબી છે. ગુજરાતીમાં ‘ત’, ‘થ’, ‘ધ’નો ઉપયોગ સૌથી વધુ જોવા મળે છે. સામાન્ય શબ્દોમાં મ્હો, જીભ, તાળવાના સંયોજનથી નવા-નવા શબ્દો રચાય છે. તેથી, તે, તેઓ, ત્યારે, તા, ત્યાં, હતા, હતી, સાથે, નાથી, નહીં, ત્યારથી ત્યાર્થી, દેશ એટલે વતન, બધુ એટલે દરેક વસ્તુ જેવા અલગ અલગ ભાવાર્થવાળા શબ્દોના કારણે ગુજરાતી એક રહી છે. ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધનમાં એક વાત એ પણ બહાર આવી કે ગુજરાતના દક્ષિણ ભાગમાંથી આવેલા ગુજરાતીની સંખ્યા કેપ્ટાઉનમાં વધુ વસી છે. ૧૯૯૦માં કરવામાં આવેલા અધ્યયમાં જણાવાયું છે કે, ગુજરાતમાં બોલી બદલાય છે પણ ભાવાર્થ એક રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.