એસો.ની ચૂંટણી પહેલીવાર એક જ દિવસે યોજાશે
‘વન બાર વન વોટ’ અંતર્ગત બાર કાઉન્સિલે બેઠકમાં લીધો નિર્ણય
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બાર એસોસિએશન રૂલ્સ ૨૦૧૫ બનાવવામાં આવ્યો છે. જેમાં તમામ બાર એસો.નું બંધારણ એકસરખુ કરવામાં આવ્યું છે અને વન બાર વન વોટ હેઠળ વકીલને પણ એક જ બારનો સભ્ય રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી હવે નવા નિયમ અનુસાર પહેલીવારે ગુજરાતમાં ૮મી ડિસેમ્બરે તમામ બાર એસોની ચૂંટણી એક જ દિવસે યોજાશે. આ અંગે બાર કાઉન્સિલના ચેરમેન ભરત ભગત અને સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, વન બાર વન વોટને કારણે વકીલ હવે જે બારનો સભ્ય હશે તે એક જ જગ્યાએ જ વોટ કરી શકશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યોજાયેલી સામાન્ય સભામાં ‘વન બાર વન વોટ’ અંતર્ગત એક સાથે રાજયની તમામ બાર એસોસીએશનની ચૂંટણી આગામી તા.૮ ડિસેમ્બરના રોજ યોજવામા આવશે. તેમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૧ ઓકટોમ્બર સુધી સભ્ય બનનારને મત આપવાનો અધિકાર આપશે. દરેક બાર એસોસીએશનના ચૂંટણી કમિશ્નરે ચૂંટણીના ૨૦ દિવસ અગાઉ બાર કાઉન્સીલમાં પોતાના એસોસીએશનની ધારાશાસ્ત્રીઓની યાદી તેમજ ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ મોકલાવાનો રહેશે.
રાજમાં ૨૫૦ બાર એસોસીએશન સાથે ૭૨ હજાર જેટલા ધારાશાસ્ત્રીઓ જોડાયેલ છે. દર બે વર્ષે ડિસેમ્બરના બીજા શુક્રવારે ચૂંટણી યોજવાનો નિયમ ઘડાયો છે.