વિશ્ર્વ વારસા દિવસની ઉજવણી બાદ તુરંત જ અમૂલ્ય વિરાસતને તાળા મારવાના નિર્ણયથી ગાંધીવાદીઓ ખફા
વિશ્ર્વ વારસા દિવસની ઉજવણી કર્યા બાદ તરત જ ગાંધીજી જયાં ભણ્યા તે શહેરની અમૂલ્ય વિરાસત એવી આલ્ફેડ હાઈસ્કૂલને બંધ કરવાના નિર્ણયથી ગાંધીવાદીઓ ખફા છે. જયારે બીજીબાજુ આટલી મોટી અને મહત્વની મિલ્કત અને વિરાસતને નાબુદ કરવાની હિલચાલ છતા ગાંધીપ્રેમીઓ અત્યાર સુધી કેમ ચૂપ છે તે પણ મહત્વનો સવાલ છે.
શહેરની આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ ‚ા.૧૨ કરોડના ખર્ચે બનવાનું હોય. હાલ આ જગ્યા ઉપર કાર્યરત મહાત્મા ગાંધી સ્કૂલને આવતા દિવસોમાં બંધ કરવાનો ઈન્ચાર્જ જિલ્લાશિક્ષણાધિકારી પટેલે લેતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગાંધીવાદીઓમાં આક્રોશ ફેલાયો છે.
આલ્ફેડ હાઈસ્કૂલમાં ૨૦ જેટલા શિક્ષકોનો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે. આચાર્યની જગ્યા પણ ભરાયેલી છે. રાજય સરકારની ગ્રાન્ટ પણ નિયમિત મળી રહી છે. વિદ્યાર્થીઓ પણ ઘણાખરા અંશે અભ્યાસ કરી રહ્યા છે. તેમ છતા આલ્ફેડ હાઈસ્કૂલને બંધ કરવાનું કોઈ નકકર કારણ ન હોવા છતા જિલ્લા શિક્ષણાધિકારીએ આગામી શૈક્ષણિક સત્રથી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવા એડમિશન ન આપવાનું જાહેર કરી દીધું હોવાનું ચર્ચાય રહ્યું છે.
શિક્ષણ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ અગાઉ કોઈ જિલ્લા શિક્ષણાધિકારીએ આવો વિવાદીત નિર્ણય લીધો ન હતો પરંતુ શિક્ષણ વિભાગ કે સરકારના સતાવાર પરીપત્ર વિના આ સ્કૂલને બંધ કરી દેવા કારસો ઘડાયો હોવાનું જાણવા મળે છે. સ્કૂલની જગ્યાએ મ્યુઝિયમ બનાવવા ઉપરાંત બાકી રહેલી આજુબાજુની કરોડોની જમીનનું ખાનગીકરણ કરવાની વાતે પણ જોર પકડયું છે. ત્યારે આ વિવાદીત નિર્ણય અને આટલા મોટા બનાવ સંદર્ભે ગાંધીવાદીઓ હજુ સુધી કોઈ પ્રકારનો વિરોધ ન દર્શાવતા શંકાના વાદળો ઘેરાયા છે.
આલ્ફેડ સ્કૂલ બંધ કરવાને બદલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સ્ટાફ સહિતની તમામ વહિવટી પ્રક્રિયા પણ અન્ય સ્કૂલમાં ખસેડી ‘બાપુ’ની સ્કૂલને જીવંત રાખી શકાય. આ માટે કરણસિંહજી હાઈસ્કૂલમાં પણ આલ્ફેડ સ્કૂલનું વિલીનીકરણ થઈ શકે તે પ્રકારની તમામ વ્યવસ્થા અને તે સ્કૂલના સંચાલકોની તૈયારી પણ હોવા છતાં કેટલાક તત્વો બાપુને સ્કુલની અને રાજકોટની અમૂલ્યવિરાસતને ધરાર તાળા મારવાનો કારસો ઘડી રહ્યા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
આલ્ફેડમાં રાજયની એક માત્ર કેમેસ્ટ્રી, ફીઝીકસ
અને બાયોલોજીની લેબ હવે ખંઢેર બની જશે
આલ્ફેડ હાઈસ્કૂલમાં એક સમયે ટેકનિકલ મશીનરી સહિતનું વર્કશોપ કાર્યરત હતું. જયાં વિદ્યાર્થીઓ કૌશલ્યવર્ધક કામગીરી પણ શીખતા. આ ઉપરાંત આલ્ફેડ સ્કૂલમાં રાજયની એકમાત્ર કેમેસ્ટ્રી, ફીઝીકસ અને બાયોલોજીની લેબોરેટરી કાર્યરત હતી પરંતુ નજીકના દિવસોમાં આ સ્કૂલને તાળા મારવાના નિર્ણયથી હવે અમૂલ્ય વિરાસતની સાથે લેબોરેટરી ટેકનોલોજી પણ ખંઢેર બની જવાની ભીતિ સેવાઈ રહી છે.
ગાંધીજી ઉપરાંત આટલા મહાનુભાવો આલ્ફેડમાં ભણ્યા
- – પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ
- – અર્જુનસિંહ રાણા
- – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાણાકિય સચિવ હસમુખ અઢીયા