ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના શુભેચ્છા સંદેશ સાથે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ અમદાવાદ ખાતે ગાંધી સંકલ્પ યાત્રા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં મન મે બાપુના ભાવ સાથે ગાંધીજીના વિચારો-આદર્શોનો સંદેશો લઈને ભાજપા દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભા ક્ષેત્રોમાં ૧૫૦ કિલોમીટરની પદયાત્રાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના શુભેચ્છા સંદેશ સાથે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ અમદાવાદ ખાતે પદયાત્રા યોજાઇ હતી.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે દેશના પ્રજાવત્સલ અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગાંધી સંકલ્પ યાત્રા થઇ રહી છે અને આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના મત વિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આ પદયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો અને આદર્શોને આત્મસાત્ કરવાનો સંકલ્પ કરીએ.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની જનતા અને આવનારી પેઢીઓના જીવનમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો, આઝાદીની લડતમાં તેમનો ફાળો, અહિંસા, સામાજિક સમરસતા અંગેના તેઓના ઉપદેશો જીવંત રહે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. મહાત્મા ગાંધીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો અખંડ રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખુબ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છે.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ હોદ્દેદારઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, મેયર, અમદાવાદ શહેરના પ્રમુખ-મહામંત્રીઓ, બોર્ડ-નિગમના ચેરમેનઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં સ્વયંભૂ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.