દિલ્હી યુ.પી. વચ્ચેના રણજી મેચ દરમિયાન કાર છેક પીચ સુધી આવી ગઇ !!!

ક્રિકેટનું મેદાન બન્યું ‘બાપુજી’નો બગીચો ! ખુલ્લા ફાટક જેવા મેદાનમાં રણજી ટ્રોફીના ચાલુ મેચે કાર ઘુસી ગઇ હતી. આટલું જ નહીં કાર છેક પીચ સુધી પહોંચી ગઇ હતી.

અહીં દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાતા મેચ દરમિયાન બનેલી આ ઘટનાથી ક્રિકેટરો સહિત દર્શકો પણ અચંબિત થઇ ગયા હતા. કાર પીચ પર ધસી આવી ત્યારે ગૌતમ ગંભીર અને ઇશાંત શર્મા બેટીંગ કરી રહ્યા હતા. જયારે રિષભ પંત બોલીંગ કરવા રનીંગ લેવા તૈયાર હતો. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે વિદેશમાં અમુક અતિ ઉત્સાહી ખેલ પ્રેમી દર્શકો સ્ટેડીયમની રેલીંગ કૂદીને મેદાન પર ઘસી આવે તેની ઘટનાઓ બની ચૂકી છે. અરે, અમુક વાર તો પીધેલી હાલતમાં પ્રેક્ષક નગ્ન થઇને મેદાન પર દોટ મૂકી છે !!!

દિલ્હી અને યુ.પી. ના રણજી મેચનો ખેલ પૂરો થવાને માત્ર ૨૦ મીનીટની વાર હતી ત્યારે ૪.૪૦ વાગ્યે મારુતિ સુઝુકીની વેગન આર છેક પીચ સુધી આવી ગઇ હતી. આ કાર ચાલકને બાદમાં દિલ્હી પોલીસે અટકાયતમાં લીધો અને કાર જપ્ત કરી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ નફફટ કાર ચાલકનું નામ ગીરીશ શર્મા છે. જો કે હજુ સુધી શર્મા સામે કોઇ જ વિધિવત પોલીસ ફરીયાદ થઇ નથી.

આ ઘટના પરથી માલુમ પડે છે કે ક્રિકેટનું મેદન ‘બાપુજીનો’ બગીચો બની ગયું હતું કે ગમે તે વ્યકિત પોતાનું વાહન લઇને ઘુસી આવે !!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.