શંકરસિંહ વાઘેલાની ગણતરી કોંગ્રેસના જ્ઞાતિગત સમીકરણોને બગાડશે ?
કોંગ્રેસના ઉમેદવારો પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક યોજાઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાની રાહ ભાજપ સાથે શંકરસિંહ વાઘેલા પણ જોઈ રહ્યાં છે. કોંગ્રેસના જ્ઞાતિગત ઉમેદવારોની સામે બાપુ કાસ્ટ પોલીટીકસ ખેલવાની તૈયારીમાં છે.
કોંગ્રેસના ઉમેદવારો જ્ઞાતિગત સમીકરણો આધારિત પણ રહેશે તેવું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપે તો ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણીમાં એક ડગલુ આગળ ભર્યું છે પરંતુ કોંગ્રેસે હજુ જાહેરાત કરી નથી. હવે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ પોતાના પક્ષ જન વિકલ્પના ઉમેદવારો જાહેર કરે તેવી શકયતા છે. જન વિકલ્પ મોરચાના સુપ્રિમો શંકરસિંહ વાઘેલા ટ્રેકટરના સીમ્બોલ પર ચૂંટણી લડવાના છે.
તેઓ કડવા પટેલ સામે કડવા પટેલ ઉમેદવાર, લેઉવા પટેલ સામે લેઉવા પટેલ ઉમેદવાર અને કોળી સામે કોળી ઉમેદવાર ઉભા રાખે તેવી શકયતા છે.
અલબત બ્રાહ્મણ, વાણીયા જેવી જ્ઞાતિના ઉમેદવારો સામે બાપુ અન્ય કાસ્ટના ઉમેદવાર ઉભા રાખશે. બાપુનું ગણીત કોંગ્રેસની જ્ઞાતિગત દાખલાને વધુ અઘરો બનાવશે. બાપુ કોંગ્રેસના ઉમેદવારો જાહેર કર્યા બાદ જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે તેવી સંપૂર્ણ શકયતા છે.