દેશના રાષ્ટ્રપિતા અને દેશને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરનાર મહાત્મા ગાંધીજીનો આજે જન્મ દિવસ છે. ત્યારે તેમણે પોતાના જીવનના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યને યાદ કરવાનો દિવસ છે. ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા ત્યારે તેઓ જે મકાનમાં રહેતા હતા તે કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યું હતું. આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આજે પણ કબા ગાંધીના ડેલાની મુલાકાત લોકો લે છે ત્યારે બોલી ઉઠે છે કે, બાપુ હજુ જીવે છે.
કબા ગાંધીનો ડેલો નામનું મકાન 1880-1881માં બન્યું હતું
કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભૂતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જૂના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. 1880-81 માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહ્યા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો