ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે. જે અંતર્ગત ધનતેરસના દિવસે ઠાકોરજીના કલાત્મક વાઘાના શણગાર દર્શનનો ભક્તો-ભાવિકોને લાભ મળ્યો હતો.
દિવાળીના દિવસે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડાપૂજન વિધિ યોજાશે જેમાં પૂજ્ય સંતો વ્યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડશે અને ધંધા વ્યવહારના ચોપડામાં ભગવાનનો આશીર્વાદપત્રક લગાવવામાં આવશે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના વિડીયો આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે.
વિક્રમ સંવત ૨૦૭૪ની અંતિમ સંધ્યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે. ઉપસ્થિત તમામ ભાવિકો હજારો દીવડાઓના શણગાર રચિત ઠાકોરજીની આરતી દ્વારા વર્ષની અંતિમ સંધ્યા આરતી કરી ધન્યતાની લાગણી અનુભવશે.
આ દીપોત્સવ પર્વ અને ચોપડા પૂજનવિધિનો લાભ લેવા રાજકોટના તમામ શહેરીજનોને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર વતી કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી અને સંતનિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.