આજે બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વક્તા અપૂર્વમુનિ સ્વામી સુખનું સાચું સરનામું વિષય પર પ્રેરક માર્ગદર્શન આપશે
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી વિવિધ સેન્ટરોમાંસામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે-શુક્રવારે, મોરબી રોડ સેટેલાઈટ ચોક ખાતે રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ દરમ્યાન રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વિરાટ પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આજની ૨૧મી સદીનો માનવી સુખ મેળવવા માટે વિવિધ સાધનો, ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે. માનવીનું પ્રત્યેક ડગલું સુખ મેળવવાની દિશામાં હરણફાળ ભરવા માટેનું જ હોય છે. પરંતુ શું ખરેખર માનવી સુખને મેળવી શક્યો છે? સાચુ સુખ મેળવવાની આજના માનવીની દોટ ક્યા સરનામે અટકશે? સુખનું સાચું સરનામું કયું? આ વિષય પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા સંતપૂજ્ય અપૂર્વમુનિ સ્વામી તેઓની રસાળ શૈલીમાં અને ચોટદાર રજુઆતો સાથે ‘સુખનું સાચું સરનામું’ વિષયક પ્રેરણાત્મક વક્તવ્યનો લાભ આપશે. જેમાં પરિવારમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ વધારવાનું અનોખું માર્ગદર્શન પ્રેરણાત્મક વિડીયો સાથે પ્રાપ્ત થશે.
આ સમારોહમાં સહપરિવાર પધારવા રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી તથા સંતનિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ રાજકોટની સમસ્ત ધર્મપ્રેમી જનતાને તા.૧૭ને શુક્રવાર રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ મધુવન સ્કૂલની સામે, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ ખાતે પધારવા અનુરોધ કરાયો છે.