વૈદિક ચોપડા પૂજન, અપૂર્વમુનિ સ્વામીનું પ્રવચન તેમજ નૂતન વર્ષે અન્નકૂટોત્સવ યોજાશે
દીપોત્સવ તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ધામધૂમપૂર્વક ઉજવાશે છે. જે અંતર્ગત દિવાળીના દિવસે સાંજે ૪:૩૦ થી ૭:૩૦ દરમ્યાન પ્રમુખ સ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડા પૂજન વિધિ યોજાશે જેમાં વિદ્વાન અને પવિત્ર સંતો વૈદિક મંત્રોચ્ચાર અને સૈદ્ધાંતિક મહાપૂજા દ્વારા નૂતન વર્ષની સફળતા માટે પૂજા વિધિ કરાવશે.
દિવાળીનાચોપડાપૂજન પર્વે વિદ્વાન વક્તા સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી ચાલુ વેપારને વિકસાવીએ વિષયક પ્રેરક પ્રવચનનો લાભ આપશે. વિક્રમ સંવત ૨૦૭૫ની અંતિમસંધ્યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે. ઉપસ્થિતતમામ ભાવિકો હજારો દીવડાઓના શણગાર રચિત ઠાકોરજીની સમૂહ આરતી દ્વારા વર્ષની અંતિમ સંધ્યા આરતી કરીધન્યતાની લાગણી અનુભવશે.
નૂતન વર્ષના પ્રથમ દિને સવારે ૬:૦૦ થી ૭:૩૦ દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં મંગલ મહાપૂજા વિધિ યોજાશે. ત્યારબાદ ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવશે અને શણગાર આરતી દ્વારા વર્ષના પ્રથમ દિને ભક્તો ભાવિકો ભગવાન સમક્ષ પ્રાર્થના કરી આજના દિનનો મંગલ પ્રારંભ કરશે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ ખાતે૧૫૦૦થી પણ અધિક શુધ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ રચાશે. રાજકોટના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં અન્નકૂટની પ્રથમ આરતીનો ૧૧:૩૦ વાગ્યેલાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ દર કલાકે સાંજે ૭:૦૦ વાગ્યા સુધી આરતી નો લાભ પ્રાપ્ત થશે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે યોજાનાર આ કાર્યક્રમમાં લાભ લેવા રાજકોટના તમામ શહેરીજનોને બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર વતી કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ અનુરોધ કર્યો છે.