પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો શાક હાટડી ઉત્સવ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૦દિવસથી દર્શન અને સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત આજે તા.૮-૧૧-૨૦૧૯ના દિવસે પ્રબોધિની એકાદશી નિમિતે શાક હાટડી ઉત્સવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સવારે ૫:૩૦થી ૮:૩૦ દરમ્યાન ઉજવાયો હતો.
આજે શુકવારનો શુભ દિન દેવ દિવાળી તેમજ પરમ પવિત્ર પ્રબોધિની એકાદશી. આજના દિવસે ભગવાન સમક્ષ શાકભાજી અને ફળોની હાટડી ધરાવવામાં આવે છે. ચોમાસા દરમ્યાન સૂર્ય પ્રકાશનો અભાવ અને ભારે વરસાદને લીધે શાકભાજીઓમાં જીવ જંતુઓ અને બેક્ટેરિયા ઉછરે છે. આ દિવસે જે શાકભાજીનો પાક લેવામાં આવે છે તે તાજા અને પ્રમાણમાં તંદુરસ્ત હોય છે. તેથી જ આ શાકભાજી સૌપ્રથમ ભગવાનને ધરાવવામાં આવે છે. આજના પ્રબોધિની એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસનું પણ અતિ મહત્વ છે. આજનો દિવસ એટલે પરમ પવિત્ર એવા ચાતુર્માસની પૂર્ણાહૂતિ. અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ દરમિયાન વિષ્ણુ ભગવાન ક્ષીરસાગર માં પોઢે છે, તે આ દિવસે જાગ્રત થાય છે. એવી કથા છે કે, ભગવાને શંખાસુરનો અષાઢ માસમાં વધ કર્યો અને તેનો થાક ઉતારવા ક્ષીર સાગરમાં પોઢ્યા હતા. આ નિંદ્રામાંથી ભગવાન જાગે છે તેથી ભક્તો આનંદોત્સવ કરે છે. આ દિવસે તુલસી વિવાહનો આરંભ થાય છે. આ દિવસે ચાતુર્માસમાં આરંભેલા વ્રતનો અવધિ આવે છે.
આજના દિવસે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સવારે ૫:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ભગવાન સમક્ષ શાકનો એક ભવ્ય હાટ રચવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ રાજકોટના હજારો ભાવિક ભક્તોએ પ્રાપ્ત કર્યો હતો.
અબતક સાથેની વાતચિત દરમિયાન નિર્મલભાઈ ટાંકએ જણાવ્યું હતુ કે રાજકોટ સ્થિત કાલાવાડ રોડ સ્વામીનારાયણ મંદિરે આજરોજ દેવઉઠી અગિયારસ નિમિતે સ્વામીનારાયણ ભગવાન સમક્ષ ‘હાટ’ રચવામાં આવ્યો છે. હાટ એટલે કે ભગવાનને ધરાવવામા આવતો શાકભાજીનો થાળ. વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા રહેલી છે કે દેવઉઠી અગીયારસના દિવસે ભગવાનને નવા શાકભાજીનો થાળ ધરાવવામાં આવે છે.