‘જે વ્યક્તિ સદ્દગુણના વિચારોથી જીવે છે તેના જીવનમાં જ સુખનો સૂર્યોદય થાય છે.’ – પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી
‘સુખ સાધનથી નથી સાધનાથી છે.’ – પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી
વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે રાજકોટ શહેરના રઘુવંશી-લોહાણા જ્ઞાતિજનો માટે ‘સમસ્ત રઘુવંશી-લોહાણા સમાજ પ્રેરણા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ‘ સુખનો સૂર્યોદય, દુઃખનો દેહાંત’ વિષય પર પ્રેરક વક્તવ્યનોલાભ આપ્યો હતો જેમાં ૩૦૦૦ જેટલા રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પથદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિત સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
આ સમારોહમાં રઘુવંશી સમાજના અગ્રણી શાંતુભાઈ રૂપારેલીયાએ સ્વાગત ઉદ્દબોધન કરી આજના સમારોહ માટે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં રઘુવંશી-લોહાણા સમાજના અગ્રણીહોદેદારોમાં રાજકોટ બી.જે.પી.ના પ્રેસીડેન્ટ કમલેશ મીરાણી, ડો.મિહિર તન્ના સહિતના નામાંકિત ડોક્ટર્સ સહીત કુલ ૩૦૦૦ જેટલા જ્ઞાતિજનોએઉપસ્થિત રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ રઘુવંશી-લોહાણા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આજે સમાજમાં જોશની સાથે-સાથે હોશની પણ જરૂર છે. ફક્ત માણસથી દેશનું સારું ના થાય પરંતુ માણસાઈ વાળા માણસથી દેશનું સારું થાય છે.
સમારોહના અંતે ડિસેમ્બરમાં યોજાનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો જેને જોઈ ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થયા હતા.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ‘સુખનો સૂર્યોદય, દુઃખનો દેહાંત’ વિષય પર ઉદ્દબોધનના મુખ્ય અંશો
- વ્યક્તિ દુઃખી છે અસંયમને લીધે, કુસંપને લીધે, અસંતોષને લીધે.
- પોતાની જાતને બીજા સાથે સરખાવવાનું બંધ કરીએ તો આપણે સુખી જ છીએ.
- જ્યાં સુધી લાઈફ સ્ટાઇલો નહી બદલીએ ત્યાં સુધી એક પણ સ્ટાઇલો કામ લાગવાની નથી.
- જ્યાં સુધી તમે માનશો કે બીજા મને દુઃખી કરે છે ત્યાં સુધી દુઃખ મટશે જ નહી.
- જ્યાં સુધી તમારું રીમોટ બીજાના હાથમાં હશે ત્યાં સુધી સુખની સીરીયલ તમારામાં નહી આવે.
- જયારે કોઈનું ખરાબ થતું જોઈએ ત્યારે કહીએ છીએ કે મારે કેટલા ટકા ? અને જયારે સારું થતું હોય ત્યારે કહીએ છીએ કે મારા કેટલા ટકા !!!
- જેટલો પ્રેમ ભગવાન માટે રાખીએ છીએ એટલો જ પ્રેમ પોતાના પરિવાર માટે રાખીએ.
- તમારા પ્રારબ્ધમાં જે મળવાનું લખ્યું છે તેને કોઈ લઈ નહી શકે અને જે નથી મળવાનું તે માટે ગમે તે કરો તો પણ મળવાનું નથી.
- દુઃખમાં પણ જીવવું એ મર્દની નિશાની છે પણ દુઃખથી હારી મરી જવું એ કાયરતાની નિશાની છે.
- દેહ પાડી નાખશો (આત્મહત્યા કરશો) પરંતુ આત્મા ને જે કર્મો લાગ્યા છે એ તો આવતા જન્મમાં ચૂકવવા જ પડશે.
- દુઃખનો અંત વિચારધારા બદલવાથી આવે.
- મંદિરે જવાથી દુઃખના આવે એવું નથી પણ દુઃખ ના લાગે.
- જે વ્યક્તિ સદ્દગુણના વિચારોથી જીવે છે તેના જીવનમાં જ સુખનો સૂર્યોદય થાય છે.