નૂતનવર્ષે અન્નકૂટની આરતીનો લાભ લેતા કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, રાજકોટ કલેકટરશ્રી, ધારાસભ્યશ્રી, રાજકોટ નરેશ સહીત અન્ય મહાનુભાવો
૨૦,૦૦૦ થી અધિક દર્શનાર્થીઓએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતનવર્ષનો ઉત્સવ સમગ્ર રાજકોટ શહેરમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો ત્યારે દિપાવલી તેમજ નૂતનવર્ષ નિમિતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરને સુંદર લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું અને પોડિયમ પર ખુબ સુંદર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવના લોગોની કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. દિવાળીના દિવસે ૨૦૦૦થી અધિક ઉદ્યોગ સાહસિકો તથા હરિભક્તોએ ચોપડાપૂજનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
વિક્રમ સંવત ૨૦૭૫ કારતક સુદ પડવાના દિવસે એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને પ્રાતઃ ૬:૦૦ થી ૭:૩૦ દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં મંગલ મહાપૂજાવિધિ સંપન્ન થઇ હતી. નૂતન વર્ષે ભગવાનના અન્નકૂટ ઉત્સવના દર્શનનો ૨૦,૦૦૦થી અધિક શહેરીજનોએ લાભ પ્રાપ્ત કરી જીવનમાં ધન્યતા અનુભવી હતી.
નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછી જ તેનો સ્વીકાર થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી વિશ્વના ૫૫ દેશોનાં ૧૩૦૦ મંદિરોમાં નૂતન વર્ષે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓના અન્નકૂટ રચવામાં આવે છે.
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે ૫૦૦ જેટલી મીઠાઈ, ૪૫૦ જેટલા વિવિધ ફરસાણ, ૪૫૦ જેટલા શાક તથા ભીની વાનગીઓ, ૧૦૦ જાતના આઈસ્ક્રીમ, જ્યુસીસ તથા કેક આમ કુલ ૧૫૦૦થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી કર્ણાટકના ગવર્નરશ્રી વજુભાઈ વાળા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ નરેશ મયુરધ્વજસિંહ જાડેજા, રેલવે ડી.આર.એમ. નિનાવ સાહેબ, જો.પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી સાહેબ, રાજકોટ મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, રાણીબા કાદમ્બરી દેવી તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને મહાનુભાવોની હાજરીમાં ૧૧:૩૦ વાગ્યે સંપન્ન થયેલી અને ત્યારબાદ દર કલાકે સાંજે ૭:૦૦ વાગ્યા સુધી આરતીનો લાભ પ્રાપ્ત થયો હતો. રાજકોટમાં આવેલ ત્રણેય સંસ્કારધામમાં પણ નુતનવર્ષે અન્નકૂટ દર્શનનો ભક્તો-ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ અન્નકૂટમાં બનેલી વાનગીઓ હજારો ભક્તો-ભાવિકોના ઘરોમાં પ્રસાદરૂપે પહોચાડવામાં આવશે.
પ્રગટ ગુરુહરિ પરમ પૂજય મહંતસ્વામી મહારાજની હાજરીમાં ગોંડલમાં ખૂબ જ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજે નૂતન વર્ષ સૌ કોઈ માટે યશસ્વી અને સુખદાયક નીવડે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટ મંદિર તથા રાજકોટમાં આવેલ ત્રણેય સંસ્કારધામમાં યોજાયેલ અન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, ભંડારી પૂ.અક્ષરયોગી સ્વામી, ૨૨ સંતો તથા ૨૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.