પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવમાં લાભ આપવા પધારેલ
૨ ડિસેમ્બર થી ૧૬ ડિસેમ્બર કુલ ૧૨ દિવસ રાજકોટમાં રોકાણ – હરિભક્તોમાં હરખની હેલી
વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.
આ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું આગમન થયું. આ અવસરે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામીશ્રી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ઉપક્રમે રાજકોટ પધાર્યા છે ત્યારે હરિભક્તો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૨ ડિસેમ્બર રવિવાર થી ૧૬ ડિસેમ્બર રવિવાર સુધી કુલ ૧૨ દિવસ રાજકોટમાં રોકાણ કરશે. જે દરમ્યાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરને ચાકળા, ઉનના રંગબેરંગી તોરણો, ટ્રેડીશનલ ઝુમ્મર, ફ્લાવર પોટ તેમજ ફૂલોની રંગોળી અને ધજાઓથી અદભુત રીતે શણગારવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બાળકોએ દીવડાઓથી ગુરુહરીને વધાવ્યા હતા.
સ્વાગત સભામાં મુખ્ય મંચને પણ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. આ સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય આચાર્ય સ્વામી તેમજ ષડદર્શનાચાર્ય પૂ.શ્રુતિપ્રકાશ સ્વામીએ પ્રેરક વ્યક્તવ્યનો લાભ આપ્યો હતો. સંસ્થાના સદગુરુ વર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પણ આ સ્વાગત સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે પ.પૂ.મહંતસ્વામી મહારાજને જૂનાગઢ મંદિરના મહંત પૂજ્ય યોગીસ્વરૂપ સ્વામી અને રાજકોટના મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ પુષ્પહાર પહેરાવી રાજકોટને આંગણે આવકાર્યા હતા.
પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ સદગુરુ વર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને પુષ્પહાર અર્પણ કરી વધાવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના તમામ સંતોએ પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને ફૂલહાર અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સભામાં ઉપસ્થિત તમામ હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની સાથે ભગવાનની આરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આજના આ સ્વાગત સમારોહમાં અનેક સંતો, કાર્યકરો અને ૭૦૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૧૬ ડિસેમ્બર સુધીના રોકાણ દરમ્યાન સ્વામિનારાયણ નગર સ્થિત ‘પ્રમુખસ્વામી મંડપમ’માં સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સમગ્ર રોકાણ દરમ્યાન નિવાસ સ્થાન માધાપર-મોરબી બાયપાસ રોડ સ્થિત ‘અતિથી દેવો ભવ’ રહેશે.