બે વખત ઘરે જઈને ધાક ધમકીઓ આપી: રાજકિય પીઠબળથી કાયદાને ધોળીને પી જતા માથાભારે તત્વ સામે આકરા પગલા લેવા પત્રકારોની એસપીને રજુઆત

જામનગર શહેર હવે બુટલેગરોનાં હવાલે થઈ ગયું છે. જેમાં હવે પત્રકારો પણ નિશાન બને છે. એક વખત પોલીસતંત્રની જે ધાક હતી તે હવે ઓસરાવવા લાગી છે. રાજકીય ચંચુપાતથી અસામાજીક તત્વોએ કાળો કેર વર્તાવ્યો છે. બુટલેગરો અને અસામાજીક તત્વોનો ભોગ પત્રકારો બનવા લાગ્યા છે. એટલું જ નહીં પોલીસ તંત્રને ખુલ્લો પડકાર કર્યો છે. દારૂનાં ધંધાર્થીએ પત્રકારનાં ઘરમાં ઘુસી એક નહીં બે-બે વખત ધાક-ધમકી આપી શહેરને બાનમાં લીધું છે. આ મામલે જામનગરનાં તમામ પત્રકારો એકત્રિત થઈ પોતાનો આક્રોશ વ્યકત કરવા પોલીસ ચોકીએ એસ.પી. પાસે ઘસી ગયા હતા અને કડકમાં કડક કાર્યવાહી સાથે પગલા લેવાની માંગણી પત્રકારોએ કરી હતી.

જિલ્લાનાં પત્રકાર નથુભાઈ રામડા કે જેઓ શહેરનાં નવાગામઘેડ પાછળ, મધુરમ સોસાયટી શેરી નં.૪માં રહે છે જયાં દાદાગીરીમાં નંબર ૧ આવતા લુખ્ખા જમાતનાં લીડરે અને નામચીન બુટલેગર લખન ચાવડાએ આ પત્રકારનાં ઘરે જઈ વાણીવિલાસ કરી ધાક-ધમકી આપી હતી. જે અનુસંધાને પત્રકાર નથુભાઈએ એસ.પી.ને લેખિતમાં અરજી આપી હતી અને એલસીબીએ નિયમિત રૂટીન મુજબ ક ૧૫૧ મુજબ જામીન મુકત થઈ ગયેલ હતો.

વળી ફરી આજ માથાભારે શખ્સે ફરીથી ઘરે જઈ પત્રકાર તેમજ તેમના પત્ની અને બાળકોને પણ ગાળો ભાંડી કહેલ કે આ વિસ્તાર તેમનો જ છે. એસ.પી. તો શું આઈ.જી. પણ મારું કાંઈ ઉખેડી શકે તેમ નથી તેમ કહી ૨૪ કલાકમાં આ વિસ્તાર છોડી ચાલ્યા જવાનું કહેલ અને જેલમાંથી મને કોઈ રોકી શકે તેમ નથી અને તમને તો જાનથી મારી નાખીશ. એટલું જ નહીં તમારા જેવાને તો હું મારી નાખીશ. જેમ પોલીસ તંત્ર પણ મારું કાંઈ ઉખેડી શકે તેમ નથી તેવી દાદાગીરી કરતા લોકો ડઘાઈ ગયા હતા અને પોતાની જાનની સુરક્ષા માટે એસ.પી.ને રજુઆત કરી હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શહેરનાં પત્રકારોએ એકત્રિત થઈ જિલ્લા પોલીસ વડા સિંધલની કચેરીએ જઈ બુટલેગર લખન ચાવડા સામે કડકમાં કડક કાર્યવાહી કરી પગલા લેવા માંગણી કરાતા એસ.પી.ની સુચનાથી બુટલેગર લખન ચાવડા વિરુઘ્ધ જામનગર સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન સેક્ધડ ગુ.ર.નં.૭૦/૧૯ આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી આરોપીએ ફરિયાદીને ગાળો આપી ફરિયાદીની ગરદન પકડી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધી હતી અને ધરપકડ બાદ છુટકારો પણ થયો હતો. જામનગરમાં પત્રકાર જો સુરક્ષિત ન હોય તો પછી આમ જનતા કયાંથી સુરક્ષિત હોય શકે, પોલીસ તંત્રને અંધારામાં રાખી પોતાની બે નંબરી ધંધા વિકસાવનારા અને માથાભારે રાજકીય પીઠ ધરાવનાર બુટલેગર સામે કયારે પાસાના પગલા લેવાશે અને આવા તત્વો સામે પોલીસતંત્ર નમશે કે પછી જાહેરમાં સબક શિખવાશે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.