શહેરમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે અમદાવાદને તબીબોની ભેટ આપવાની નીતિ સમગ્ર શહેર માટે નોતરી રહી છે જોખમ: શહેરનાં બે મંત્રીઓનું સરકારમાં કંઈ ઉપજતું નથી?
જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ આવતા નવા કેસની એવરેજ પણ વધવા લાગી છે. જે વિસ્તારમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે, તે વિસ્તારોના નામ લઈએ તો શહેરનો મોટો હિસ્સો ખતરારૃપ ગણાય. જામનગરમાં કોરોનાના કેસો સવાસોથી દોઢસો તરફ જઈ રહ્યો છે, અને જામનગર પછી હવે દ્વારકા જિલ્લામાં પણ મૃત્યુ નોંધાતા કોરોનાએ હવે હાલારને ઝપટે ચડાવ્યું હોય તેમ જણાય છે. આ સંજોગોમાં જામનગરની જી.જી. હોસ્પિટલ સહિત હાલારની હોસ્પિટલો પર જવાબદારી વધી છે, તો નવો પડકાર પણ ઊભો થયો છે. હાલારમાં કોરોનાનું સંક્રમણ ભલે આયાતી હોય, પરંતુ તે હવે લોકલ સંક્રમણની ગતિ પકડી રહ્યું છે. આ કારણે જો તંત્રો અને જનતા વિશેષ કાળજી નહીં રાખે તો કોમ્યુનિટી ટ્રાન્સમીશનમાં ફેરવાતા વાર નહીં લાગે. આમ પણ જામનગર હવે અમદાવાદની જેમ હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું હોવાની ચિંતા લોકો દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી અને કણોપકર્ણ ચર્ચાઓ દ્વારા પણ વ્યક્ત થવા લાગી છે.
લોકોમાં પડી રહેલા પ્રત્યાઘાતો મુજબ સરકારી તંત્રોની રાજ્ય કક્ષાએ પણ વ્યવસ્થા પડી ભાંગી હોય, તેમ કોઈપણ ગંભીર વિચારણા કર્યા વગર ધડાધડ નિર્ણયો લેવાઈ રહ્યા છે. ઘણી વખત તો અપાયેલી સૂચનાઓનો અમલ પૂરેપૂરો થયો ન હોય ત્યાં સુધારેલા નવા નિયમો આવી જાય છે. આ કારણે ઊભી થતી અવ્યવસ્થા અને ક્ધફ્યૂઝનના કારણે પણ કોવિડ-૧૯ નામના વાઈરસને પગપેસારો કરવાની ફાવટ આવી જાય છે, તેનું ઉદાહરણ જામનગરથી અમદાવાદની ફરજો માટે બોલાવાઈ રહેલા ડોક્ટરો સંદર્ભે ચાલી રહેલી અંધાધૂંધી છે.
હાલારમાં હાલત બગડી છે. જામનગરના મોટાભાગના વિસ્તારોમાં કોઈને કોઈ શેરી-મહોલ્લાના મકાનો અને ફ્લેટો ઉપરાંત દુકાનો વિગેરે પણ ક્ધટેનમેન્ટ ઝોન હેઠળ આવી રહ્યા છે. જામનગરમાં કેસોની સંખ્યા અભૂતપૂર્વ ઢબે વધી રહી છે, ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલ સહિત હાલારમાં ઊભી કરાયેલી કોવિડ-૧૯ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્રો પર ભારણ વધી રહ્યું છે. જામનગરમાં આજુબાજુના જિલ્લાઓના દર્દીઓ પણ સારવાર હેઠળ આવતા હોવાથી પડકાર વધ્યો છે. આ કારણે હાલારની હાલત સંભાળવા અન્ય જિલ્લાઓ કે જ્યાં તદ્ન ઓછું સંક્રમણ હોય, ત્યાંથી સરકારી તબીબો સહિતના સ્ટાફને બોલાવવા પડે તેવી સ્થિતિ હોવા છતાં જામનગરના ડોકંટરોને તબક્કાવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાઓ માટે મોકલવામાં આવી રહ્યા છે, જેથી ’ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો’ જેવી સુધારેલી કહેવત જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ ફરજમાં જતા ડોક્ટરો પરત આવે અને અઠવાડિયું ક્વોરેન્ટાઈનમાં રહે, તેવી જામનગરની તબીબી સેવાઓને ફટકો પડે, તેવી સીધીસાદી કોમન સેન્સની બાબત પણ રાજ્ય કક્ષાના સરકારી તંત્રો સમજતા નથી અને શાસકો પણ તેમાં હસ્તક્ષેપ કરતા નથી, તેથી ગુજરાતમાં ’નોનસેન્સ’ સરકારી વહીવટની ટીકા થઈ રહી છે.
નવાઈની વાત ઓ એ છે કે જામનગરના ધારાસભ્ય એવા બન્ને મંત્રીઓની રજૂઆત પછી ખુદ આરોગ્ય મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જ જામનગરના તબીબોને અમદાવાદ નહીં બોલાવાય, તેવી જાહેરાત કરી હતી તે પોકળ નિવડી છે, અને સરકારી તંત્રોની અમલદારશાહી સામે રૃપાણી સરકાર વામણી પૂરવાર થઈ છે. જામનગરના બે મંત્રીઓ પૈકી એક તો કેબિનેટ મિનિસ્ટર છે, છતાં તેમનું કાંઈ ઉપજતું ન હોય, અને નાયબ મુખ્યમંત્રીની જાહેરાતને પણ ઘોળીને પી જવામાં આવતી હોય તો આ શાસન નપાવટની જ શ્રેણીમાં ગણી શકાય, તેવી કડક આલોચનાઓ સંભળાઈ રહી છે.
તબીબી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ એવા સવાલો ઊઠી રહ્યા છે કે રાજ્યમાં જામનગર સહિત માત્ર બે-ત્રણ જગ્યાએથી જ ડોક્ટરોને અમદાવાદ બોલાવવામાં આવે, અને તેમાં પણ જુનિયર તબીબોને ધકેલી દેવામાં આવે, તથા એનેસ્થેસિયા જેવા વિભાગના તબીબોને વારંવાર બોલાવીને જામનગરથી અન્ય તબીબી સેવાઓને ખોરવી નાંખવામાં આવે, તે કેવો વહીવટ? શું બીજા શહેરોના ડોક્ટરો ના પાડે છે, કે કોઈ કૌભાંડ ચાલી રહ્યું છે. હવે જ્યારે જામનગરમાં સંક્રમણ વધ્યું છે, અને હાલામાં લોકલ સંક્રમણનો ખતરો વધ્યો છે, ત્યારે હાલારની જનતા અને ખાસ કરીને વિપક્ષો પણ વધુ સાવલ ઊઠાવશે તેમ જણાય છે.