રાજકોટ શહેરમાં બે મારામારીની ઘટના ઘટી છે ત્યારે અક્ષરમાર્ગ મેઈન રોડ નજીક ગૌતમનગરમાં રહેતા સાળાને રિસામણે રહેલી પત્નીને લેવા સમાધાન કરવાનું કહી બનેવી અને તેના ભાઈએ છરી વડે હુમલો કર્યો અને શહેરના રહ્યા ટેલિફોન એક્સચેન્જ મેઈન રોડ નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા બાળકને તારી મમ્મી ભાગી ગઈ છે એમ કહી પજવણી કરતા પાડોશીને સમજાવવા ગયેલા પિતાને છરીના ઘા માર્યા. બંનેની સામે સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના અક્ષરમાર્ગ મેઈન રોડથી નજીક ગૌતમ નગર શેરી નં. 4 માં રહેતા દીપકભાઈ દિનેશભાઈ બહુકીયા નામના 25 વર્ષીય યુવકને રૈયા રોડ વૈશાલી નગરમાં રહેતા મયુર રવજી છનુરા અને અલ્પેશ રવજી છનુરાએ માર માર્યા અંગેની પોલીસ ફરિયાદ માલવયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના પુત્રનો ગત તા. 9 ના રોજ જન્મદિવસ હતો, જેથી ફરિયાદીએ બહેન અને બનેવીને ઘરે જમવા તેડાવ્યા હતા, ત્યારે કોઈ બાબતે વાતચીત ઉગ્ર સ્વરૂપ લેતા આરોપી બનેવી પત્ની ચેતનાબહેનને માર મારવા લાગ્યા જેથી કરીને ફરિયાદી દીપકભાઈથી બહેનને માર ખાતા ન જોઈ શકાતા વચ્ચે પડી બનેવીને રોક્યા હતા. બાદમાં ફરિયાદીના બહેન ત્રણ દિવસ સુધી રીસામણે રહ્યાં હતાં. રીસામણે રહેલી પત્નીને સમાધાનનું કહી લેવા આવેલા આરોપી બનેવી અને તેના મોટા ભાઈએ ફરિયાદીને છરી અને ધોકા વડે માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી અને આરોપી બંને રીક્ષા હંકારવાનું કામ કરે છે.
જ્યારે શહેરના રૈયા ટેલિફોન એક્સચેંજ પાસેની સોમનાથ સોસાયટી-3માં રહેતો નિશાંત ચીમનભાઈ મારુ નામના 35 વર્ષીય યુવક સાંજે ઘર પાસે આવેલી સુપર હેર આર્ટ નામની દુકાન પાસે હતો ત્યારે પડોશમાં રહેતા બીટુ ઉર્ફે અજય ઉર્ફે હાર્દિક ચૌહાણએ નિશાંત સાથે ઝગડો કરતા બને વચ્ચે ઝપાઝપીમાં હાર્દિકે નેફામાં રહેલી છરી કાઢી હુમલો કરતા લોહીલુહાણ થયો હતો. જયારે સામા પક્ષે બિટુ ઉર્ફે અજય મુકેશભાઈ ચૌહાણ નામનો 31 વર્ષીય યુવકે પણ પોતાને નિશાંત મારુએ કાતર ઝીકી દીધાની ફરિયાદ સાથે બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલો થયા અંગે નિશાંતના કહેવા મુજબ પત્ની સાથે છૂટાછેડા થઈ જતા આઠ વર્ષનો પુત્રની સાર સંભાળ હું રાખું છું, ગઈકાલે પુત્ર ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતો બીટુ ઉર્ફે અજય પુત્રને કહેતો હતો કે, તારી મમ્મી ભાગી ગઈ છે. આથી પુત્રએ આવી મને વાત કરતા સાંજે બીટુ ઘર નજીક આવેલી સલૂનની દુકાન પાસે મળી જતા તેને પુત્રની સામે આવું ન બોલવા માટે સમજાવતા ઉશ્કેરાયો હતો અને છરી કાઢી હુમલો કર્યો હતો. આથી મેં બચાવ માટે સલૂનની દુકાનમાંથી કતાર લઈ વળતો ઘા કર્યો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.