ઘરે કામ કરવા આવતી યુવતીએ સહી કરેલો ચેક અને એટીએમ કાર્ડ ચોરી પ્રેમી સાથે મળી બેન્કમાંથી મોટી રકમ ઉપાડી લીધાની કબૂલાત
શહેરના આરટીઓ પાસે ન્યુ ફાયર બિગ્રેડ સોસાયટીમાં રહેતા કોર્પોરેશનના કર્મચારીના બેન્ક ખાતામાંથી બારોબાર રૂ.૯.૨૭ લાખ ઉપાડી લેવાના ગુનામાં સંડોવાયેલા બંટી બબલીને સાઇબર ક્રાઇમ અને બી ડિવિઝન પોલીસે ઝડપી પુરેપુરી રકમ કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ન્યુ ફાયર બિગ્રેડ સોસાયટીમાં રહેતા અને રૈયાધાર પર કોર્પોરેશનના ફિલ્ટર હાઉસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ જગુભાઇ પરમારના એસબીઆઇ અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતામાંથી તા.૨૪ ઓગસ્ટથી કટકે કટકે રૂ.૯.૨૭ લાખ ઉપડી ગયા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
બીપીનભાઇના પત્ની સોનલબેન પોતાના પુત્ર ઇન્દ્રજીત સાથે છેલ્લા દસેક વર્ષથી અલગ વઢવાણ ખાતે રહેતા હોવાથી તેમને ત્યાં પાડોશમાં રહેતી નિલમ લલિત ચાવડા નામની યુવતી ઘર કામ માટે આવે છે. બીપીનભાઇ પરમારના વિરાણી હાઇસ્કૂલ ચોકમાં આવેલી એસબીઆઇ બેન્કમાં બચત ખાતુ છે અને કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોકમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સેલેરી એકાઉન્ટ છે.
બંને બેન્કના ચેક અને એટીએમની મદદથી રૂ.૯.૨૭ લાખ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવતા સાઇબર ક્રાઇમના એસીપી જે.એસ.ગેડમ, પી.આઇ. બી.એમ.કાતરીયા, એન.એન.ઝાલા અને આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે ટેકનિકલ એનાલીશીસ કરી ચોરીના ગુનામાં ગોંડલ તાલુકાના રીબ ગામના જતીન લાલજી રાખોલીયા અને બીપીનભાઇ પરમારને ત્યાં કામે આવતી નિલમ લલિત ચાવડાની સંડોવણી હોવાનું બહાર આવતા બંનેની પોલીસે ધરપકડ કરી છે.
જતીન રાખોલીયા અને નિલમ ચાવડાની પૂછપરછ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને બીપીનભાઇ પરમારની સહીવાળા ચેકની ચોરી કરી ઉપાડી લીધાની તેમજ એટીએમનો પીન નંબર મેળવી એટીએમની મદદથી રકમ ઉપાડી હોવાની કબૂલાત આપી છે.