કેન્દ્ર સરકારે અને મનોલોન્ડરિંગના જડ સમાન વિવાદાસ્પદ મહાદેવ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઈડીની વિનંતી પર આ કાર્યવાહી કરી છે. મંત્રાલયે આ અંગે આદેશ પણ જારી કર્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે છત્તીસગઢ સરકાર પાસે આઈટી એક્ટની કલમ 69એ હેઠળ વેબસાઈટ બંધ કરવાની ભલામણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી આવી કોઈ વિનંતી કરવામાં આવી ન હતી.
ઇડીની દરખાસ્તને પગલે આઇટી મંત્રાલયની આકરી કાર્યવાહી : હજુ પણ અનેક વિવાદાસ્પદ એપ અને વેબસાઈટ ઉપર રડાર
ચંદ્રશેખરે કહ્યું કે એપને પ્રતિબંધિત કરવાની પ્રથમ અને એકમાત્ર વિનંતી ઇડી તરફથી મળી હતી. તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકાર આ મામલે દોઢ વર્ષથી તપાસ કરી રહી હતી. પ્રતિબંધની વિનંતી કરતાં તેને કોઈએ રોક્યો ન હતો. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક અને રેડ્ડીઅન્નાપ્રિસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સ સામે બ્લોક કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી ઇડી દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સિન્ડિકેટ સામે હાથ ધરવામાં આવેલી તપાસ અને છત્તીસગઢમાં મહાદેવ બુક પરના ત્યારપછીના દરોડા બાદ કરવામાં આવી છે, જેમાં એપના ગેરકાયદે સંચાલનનો ખુલાસો થયો હતો.
આરોપી ભીમ સિંહ છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલ છે, જ્યારે અસીમ દાસ મહાદેવ એપના માલિકો વતી પૈસા પહોંચાડતો હતો. તમને જણાવી દઈએ કે, ઇડીએ દાવો કર્યો છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સટ્ટાબાજીની સુવિધા આપતી મહાદેવ એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા આપ્યા છે. ઇડી અનુસાર, રોકડ પહોંચાડનાર અસીમ દાસના મોબાઈલ અને ઈમેલમાંથી મળેલા ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોમાંથી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવાના પ્રાથમિક પુરાવા મળ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઇડીએ રવિવારે સવારે છત્તીસગઢના ભિલાઈમાં એક સાથે ત્રણ ઘરો પર દરોડા પાડ્યા છે. નિવૃત્ત શિક્ષક ભાસ્કર ઉન્નિયન, નિવૃત્ત બીએસપી (ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ) કર્મચારી શ્રીકાંત મુસળે અને મુસ્તફા મંઝિલના માલિક એમબીએ મિર્ઝાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણેય બાળકો દુબઈમાં રહે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇડીને માહિતી મળી હતી કે આ લોકો મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના સંપર્કમાં છે અને તે બંનેને હવાલા દ્વારા પૈસા મોકલવામાં મદદ કરે છે. બપોર સુધી ઇડીના દરોડા ચાલુ રહ્યા હતા. જે બાદ ઇડીની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ અંગે એવું કહેવામાં આવ્યું હતું કે ઇડીને અહીંથી કંઈ મળ્યું નથી. જો કે, મોડી રાત્રે એવી અફવા ઉડી હતી કે આ કાર્યવાહીમાં ઇડીને કરોડો રૂપિયા મળ્યા છે, પરંતુ ક્યાંયથી તેની પુષ્ટિ થઈ શકી નથી.
બેટિંગ એપ ઉપર માત્ર 28 ટકા જીએસટીનું ભારણ પૂરતું ?
હાલ દેશમાં બેટિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશન ઉપર માત્ર 28 ટકા જીએસટી જ છે. ત્યારે લોકોના ખિસ્સા ખંખેરતી આવી એપ દરરોજના કરોડો ઉસેડે છે. ત્યારે આવી એપ ઉપર માત્ર 28 ટકા જીએસટીનું ભારણ જ પૂરતું છે ? તેવા પ્રશ્ન ઉઠ્યા છે.
દેશવિરોધી પ્રવૃતિઓમાં પણ સટ્ટાબાજી એપની ભૂમિકા
સટ્ટાબાજી એપની ભૂમિકા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ છે. આ એપના પ્રમોટર્સ દેશ બહાર રહીને મની લોન્ડરિંગ સહિતની પ્રવૃતીઓ કરે છે. ત્યારે આવી એપ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી બને છે. જો કે હજુ પણ અનેક એપ રડારમાં હોવાનું જાણવા મળ્યું છે.
મહાદેવ એપનું જામનગર કનેક્શન પણ ખુલ્યું હતું
મહાદેવ એપના પ્રમોટર્સની એક દુબઈમાં ઇવેન્ટ યોજાઈ હતી. જામનગરના યોગેશ પોપટ નામના વેડિંગ પ્લાનરને આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા રૂ. 112 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને રૂ. 42 કરોડ રોકડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડીએ આ લગ્ન સાથે સંકળાયેલા યોગેશ પોપટ, મિથિલેશ અને આયોજકોના પરિસરમાં સર્ચ કર્યું હતું. જ્યાંથી 112 કરોડ રૂપિયાની હવાલા રકમ મળવાના પુરાવા સામે આવ્યા છે. જે બાદ યોગેશ પોપટના કહેવાથી આંગડિયાના ઘરે તલાશી લેવામાં આવી હતી. જ્યાંથી 2.37 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી.