ગત નાણાંકીય વર્ષમાં ૭૩ હજારથી વધુ ‘માઇક્રો એન્ટરપ્રાઇઝ’ને લાભાન્વીત કરાયા: ૮૦ હજાર યુનિટોને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય
દેશમાં હાલ આર્થિક મંદી હોવાના કારણે નોકરી વાંચ્છુક લોકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે તેમાં પણ જે રોજગારી મળવી જોઈએ તે મળવાપાત્ર ન હોવાથી ઘણી ખરી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ ૧.૧૮ લાખ પેન્ડીંગ લોન એપ્લીકેશનો રહેલી છે જેને માર્ચ માસ પહેલા તેનો નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે.
ગત નાણાકિય વર્ષમાં આ યોજના હેઠળ અંદાજે ૭૩,૦૦૦થી વધુ માઈક્રો એન્ટરપ્રાઈઝને લાભાન્વિત કરવામાં આવી હતી જેમાં સરકારે ૮૦,૦૦૦ યુનિટોને પ્રોત્સાહન આપવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ દેશનાં નવયુવાનોને સ્વાવલંબિત બનાવવા અને રોજગારી ઉભી કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગુરૂવારનાં રોજ એમએસએમઈ ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા નાણામંત્રી નિર્મલા સીતારામને આ મુદ્દે ચર્ચા કરી હતી અને એમએસએમઈ ક્ષેત્રને વેગવંતુ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે સ્ટ્રેસ લોન કે જે પડતર પડેલા કેસો છે તેનો નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું. એમએસએમઈ ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ ગત વર્ષે ઘણા મોટા પ્રમાણમાં એમએસએમઈ ક્ષેત્રને સ્કિમનો લાભ આપવામાં આવ્યો હતો અને અંદાજે ૭૩,૦૦૦થી પણ વધુ માઈક્રો એન્ટરપ્રાઈઝ સ્થાપિત કરવા માટે સરકાર મદદરૂપ પણ બની હતી. સ્કિમનો વધુ લાભ મળતો રહે તે હેતુસર ચાલુ વર્ષમાં ૮૦,૦૦૦ એમએસએમઈ યુનિટોને પ્રોત્સાહન આપવા માટે જણાવવામાં આવ્યું છે અને લક્ષ્યાંક પણ રખાયો છે.
ચાલુ વર્ષમાં અંદાજે ૪૬,૦૦૦થી વધુ યુનિટોને લોન આપવામાં આવી છે અને પડતર પડેલી ૨૨,૦૦૦ લોન એપ્લીકેશનને વહેલાસર પૂર્ણ કરવા માટે પણ સુચિત કરવામાં આવ્યા છે. કેન્દ્રમાંથી બેંકોને તાકિદ કરાઈ છે કે, જેટલી પડતર લોન એપ્લીકેશનો છે તે કેસોનો ઝડપભેર નિકાલ કરવામાં આવે અને પડતર પડેલ ૧.૧૮ લાખ અરજીઓને ૧૫ માર્ચ પૂર્વે નિકાલ કરાઈ તેવું પણ જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા કરવામાં આવેલી તાકિદ અને આદેશ બાદ તમામ બેંકોનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટે ભરોસો આપ્યો છે અને જણાવ્યું છે કે, નિર્ધારિત સમય મર્યાદામાં પડતર અરજીઓનો નિકાલ કરવામાં આવશે.
સ્થાનિક બેંકો લક્ષ્યે પહોંચતા ૧૧ ટકા અરજીઓ નામંજુર કરાઈ
પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ આજનું યુવાધન અને એમએસએમઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉધોગોને પૂર્ણત: પ્રોત્સાહન મળી રહે તે હેતુસર સરકાર દ્વારા આ સ્કિમને અમલી બનાવવામાં આવી છે પરંતુ સ્થાનિક બેંકોને અપાયેલા ટાર્ગેટે પહોંચતાની સાથે જ બાકી રહેલી ૧૧ ટકા અરજીઓને નામંજુર કરી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સરકાર દ્વારા બેંકોને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ તેમના ટાર્ગેટમાં વધારો કરી સ્કિમના લાભથી વંચિત રહેનાર ઉધોગને તેનો લાભ મળી રહે. આ મુદાને ધ્યાને લઈ બેંકો દ્વારા એ વાતનું પણ સુચન કરવામાં આવ્યું કે, જે કોઈ બેંક તેમના નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચી જાય ત્યારબાદ સિસ્ટમ જ બાકી રહેલી એટલે કે પડતર અરજીઓને નજીકની બ્રાન્ચમાં ઓટોમેટીકલી ટ્રાન્સફર કરાવી દયે જેથી પડતર અરજીઓનો નિકાલ ત્વરીત થતો રહે. સરકારનું માનવું છે કે, આ યોજના વધુને વધુ લોકો સુધી પહોંચશે તો દેશમાં અને બજારમાં તરલતા જોવા મળશે અને બજાર ફરી ધમધમશે ત્યારે સરકાર દ્વારા આ સ્કિમનો ટાર્ગેટ વધારી ક્રેડીટ ગેરેન્ટી ૫૦ હજાર કરોડ સુધી રાખવાનો નિર્ણય પણ લીધો છે કે જે ગત વર્ષની સરખામણીમાં ૬૭ ટકા વધુ હોવાનું માનવામાં આવે છે.