પાંચ માંગણી બાબતે સરકારે સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો
આજથી 4 દિવસ, એટલે કે 28થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેવાની હતી પણ હવે સરકાર અને બેન્ક કર્મચારીઓ વચ્ચે સમાધાન થઈ જતાં બેન્ક હડતાળ કેન્સલ થઈ છે અને સોમવારથી બેન્ક રાબેતા મુજબ ચાલુ રહેશે.
રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ પર જવાના હતા. 28 જાન્યુઆરીએ (આજે) મહિનાનો ચોથો શનિવાર અને 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેંકો 4 દિવસ બંધ રહેવાની હતી. પણ હવે બેન્ક હડતાલની જાહેરાત પાછી ખેંચાતાં લોકોને હાશકારો થયો છે.
હડતાળ અંગે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 30-31 જાન્યુઆરીએ હડતાલ જાહેર કરવામાં આવી હતી. બેંકના કર્મચારીઓની આ હડતાળમાં દેશભરમાંથી બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના હતા પણ સરકારે માગણીઓ અંગે સમાધાનકારી વલણ અપનાવતાં હવે 30મીથી બેન્ક રાબેતા મુજબ ચાલુ રહેશે.
એસબીઆઈએ કહ્યું હતું કે અમને ભારતીય બેંક એસોસિયેશન દ્વારા જાણ કરવામાં આવી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સએ તેની સંકળાયેલાં સંગઠનોને હડતાળની નોટિસ જારી કરી હતી. બેંકના કર્મચારીઓએ તેમની માગણીઓની માગ સાથે 30 અને 31 જાન્યુઆરી 2023ના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાની જાહેરાત કરી હતી પણ હવે હડતાલ થવાની નથી.
બેંક કર્મચારીઓની 5 માગણી છે.
પ્રથમ બેંકિંગ વર્કિંગ કલ્ચરમાં સુધારો, બેંકિંગ પેન્શન અપડેટ કરો, નેશનલ પેન્શન સિસ્ટમ નાબૂદ કરો, પગારમાં સુધારો કરો અને તમામ કેડરમાં ભરતી કરો. આમાંથી મોટાભાગની માંગણીઓ બાબતે સરકાર વાતચીત માટે તૈયાર છે એટલે હડતાલની જાહેરાત પાછી ખેંચવામાં આવી છે.