કોરોના મહામારી પછી શું? ડોલર તૂટી જાય તો? તેવી ચિંતામાં બેંકો એનપીએ ન વધે તે માટે ગોલ્ડ લોન પર વધુ ધ્યાન આપવા લાગી

કોરોના મહામારી વચ્ચે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને એનપીએ થવાનું જોખમ વધુ છે. ત્યારે ધીરાણ માટે સૌથી સુરક્ષીત ગણાતા સોના તરફ બેંકોની સ્પર્ધા જામી છે. એક તરફ ડોલર તૂટી રહ્યો હોવાથી વિશ્ર્વમાં સોનાના ભાવ ઉંચકાયા છે. કોરોનાની મહામારી બાદ કેવા પરિણામો આવશે તે મુદ્દે બેંકો અસમંજસમાં છે. ત્યારે સોનુ જ જેમ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તેમ બેંકોના પરિપ્રેક્ષમાં સોનુ જ ધિરાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યું છે. અત્યારે બેંકો વચ્ચે ધિરાણને લઈ હરિફાઈ જામી છે. જેનાથી સીધો ફાયદો ભારતીય ગ્રાહકોને થશે.

અત્યારે મુથુટ ફાયનાન્સ, મન્નપુરમ્ ફાયનાન્સ, એચડીએફસી બેંક, ફેડરલ બેંક સહિતની નાણાકીય સંસ્થાઓ ગોલ્ડ લોનમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. તાજેતરમાં મન્નપુરમ્ ફાયનાન્સ દ્વારા તો છેક ઘર આંગણે લોન મળી જાય તેવી ૨૪ કલાક ચાલતું બેંક નેટવર્ક શ‚ કરવામાં આવ્યું હતું. એચડીએફસી બેંક દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ શાખાઓ સ્થાપિત કરવામાં આવી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના મત મુજબ ભારતીય પરિવાર પાસે ૧.૫ ટ્રીલીયન એટલે કે, અંદાજે ૧૧૨ લાખ કરોડનું સોનુ પડ્યું છે. ખાસ સમારંભો, લગ્નમાં કરીયાવર, ભેટ-સોગાદો કે રોકાણના સ્વ‚પમાં સોનુ લોકોના ઘરમાં આવે છે. ભારતીય પરંપરા મુજબ કરીયાવરમાં મળેલા ઘરેણા સ્ત્રીધન માનવામાં આવે છે. જેના પર કોઈનો હક્ક રહેતો નથી. આ ઉપરાંત સુરક્ષીત મુડી રોકાણ માટે પણ સોનાનો ઉપયોગ થાય છે. નિવૃતિ બાદ ભેગુ કરેલુ સોનુ ફાયદો કરાવશે તેવી આશાએ સોનામાં નાણા ખર્ચાતા હોય છે. આવી રીતે ભારતમાં સોનાનો જથ્થો વધ્યો છે.

કોરોનાના કપરા કાળ દરમિયાન રોજગારને નુકશાન પહોંચ્યું છે. અનેક વેપાર-ધંધા મરણ પથારીએ છે. લાખો લોકો બેરોજગાર બન્યા હોવાની શંકા છે. કોરોના મહામારીની ગંભીર અસર બજારમાં લાંબા સમય સુધી રહેશે. ત્યારે લોન લેવા માટે સૌથી સરળ રસ્તો ગોલ્ડ બની ગયું છે. બીજી તરફ સોનુ સૌથી લીકવીડ કરન્સી સમાન છે. જેમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ ઝડપથી લોન આપતી હતી. અત્યારના સમયમાં જે રીતે સોનામાં ધીરાણ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. તે રીતે આગામી ૨ વર્ષમાં જ સોનામાં ધીરાણની ટકાવારી ૩૪ ટકા જેટલી વધી જશે. એટલે કે, ૨ વર્ષમાં સોનાના ધીરાણમાં ૪૬ હજાર કરોડનો વધારો થશે. આંકડા મુજબ ફેડરલ બેંક દ્વારા જૂન મહિનાના અંત સુધીના કવાર્ટરમાં ગોલ્ડ લોન આપવામાં ૩૬ ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. ગોલ્ડ લોનમાં તમામ બેંકો વધુને વધુ ફોકસ કરી રહી છે.

મુથુટ અને મન્નપુરમ્ ફાયનાન્સ ગોલ્ડ લોનના લીડર

વર્તમાન સમયે મુથુટ ફાયનાન્સ અને મન્નપુરમ્ ફાયનાન્સ ગોલ્ડ આધારિત લોનમાં લીડર તરીકે ઉભરી આવ્યા છે. ૩૧ માર્ચ સુધીના આંકડા મુજબ આ બન્ને સંસ્થાઓ દ્વારા ૨૪૮.૪ ટન ગોલ્ડ ઉપર લોન અપાઈ હતી. આ સોનાનો જથ્થો યુરોપિયન સેન્ટ્રલ બેંકમાં રિઝર્વ પડેલા જથ્થાનો અડધો ભાગ જેટલો છે. આ કંપનીઓ દ્વારા લોન આપવાની સુવિધા એકદમ સરળ બનાવાઈ છે. માર્ચ મહિનામાં જ્યારે લોકડાઉનની શ‚આત થઈ ત્યારથી મુથુટ ફાયનાન્સના શેરમાં વધારો થવા લાગ્યો હતો. આ વધારો બે ગણો થઈ ગયો હતો. મધ્યમ વર્ગના પરિવારો વધુ પ્રમાણમાં ગોલ્ડ લોન ઉપર નિર્ભર રહે છે. ત્યારે મુથુટ ફાયનાન્સ અને મન્નપુરમ્ દ્વારા લોકોને સરળતાથી લોન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.