૫૦૦૦ નંગ ટ્રીગાર્ડ ખરીદવા રૂ૪૬.૭૪ લાખનો ખર્ચ મંજૂર તમામ ૪૭ દરખાસ્તોને સ્ટેન્ડિંગની બહાલી, રૂ૨૦.૮૧ કરોડના વિકાસ કામોને લીલીઝંડી
કોર્પોરેશન પાસે ઈજનેરોની મોટી ફોજ હોવા છતાં બ્રિજ સહિતના મોટા પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટ સલાહ લેવા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. બુદ્ધિનું જાણે કે દેવાળુ ફૂંકાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે વૃક્ષારોપણ માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસાની સીઝન શરૂ થાય તે પૂર્વેનો હોય છે. પરંતુ અડધુ ચોમાસુ વીતી ગયા બાદ હવે મહાપાલિકા લાખો રૂપિયાના ખર્ચે નવા ૫૦૦૦ નંગ ટ્રીગાર્ડની ખરીદી કરશે. જેનુ વિતરણ હજુ આશરે ૧ મહિના બાદ કરવામાં આવશે ત્યાં તો લગભગ ચોમાસાની સીઝન પણ પુરી થઈ ગઈ હશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ ૪૭ બેઠકોને બહાલી આપવામાં આવી હતી. ૫૦૦૦ નંગ ટ્રીગાર્ડ ખરીદવા માટે રૂા.૪૬.૭૪ લાખના ખર્ચ સહિત કુલ રૂા.૨૦.૮૧ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા ૫૦૦૦ નંગ ટ્રીગાર્ડ ખરીદવા માટે રૂા.૪૬.૭૪ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. એક ટ્રીગાર્ડનું વજન ૧૩ કિલો અને ૭૦૦ ગ્રામનું રહેશે. આ કામ ૧૫ ટકા ડાઉનથી રાજકોટની જ ઈનોવેટીવ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગે આજે ખર્ચ મંજૂર કર્યા બાદ કંપનીને વર્ક ઓર્ડર આપ્યા પછી ૧૫ દિવસ બાદ ટ્રીગાર્ડની ડિલીવરી મળશે અને ત્યારબાદ પર્યાવરણ પ્રેમીઓને વૃક્ષોના જતન માટે ટ્રીગાર્ડનું વિતરણ કરવામાં આવશે. સામાન્ય રીતે આ પ્રક્રિયા ચોમાસાના આરંભ પૂર્વે જ એટલે કે જૂન માસના પ્રથમ સપ્તાહમાં થઈ જવી જોઈએ. પરંતુ મહાપાલિકાએ જાણે બુદ્ધિનું જ વેંચાણ કરી દીધુ હોય તેમ ચોમાસાની સીઝન લગભગ પૂર્ણ થવાની અણી પર હશે ત્યારે ટ્રીગાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવશે. દર વર્ષે ટ્રીગાર્ડ ખરીદવા માટે ભેદી ઢીલ દાખવવામાં આવે છે. જે પણ શંકા ઉભી કરે છે.
આ ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ડ્રેનેજ શાખાના જુદા જુદા પમ્પીંગ સ્ટેશનો માટે ડિઝલ જનરેટર સેટ ખરીદવા માટે રૂા.૨.૩૫ લાખ, નિર્મલા કોન્વેન્ટ રોડ પર ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાર્ટર બનાવવા માટે રૂા.૮.૨૩ કરોડ, કોઠારીયા વાવડી વિસ્તારમાં આવેલી આશરે ૬૦ હજાર જેટલી મિલકત વેરાની આકારણી કરી ઘટાડો કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. વોર્ડ નં.૧૨માં મવડી ચોકથી બાપાસીતારામ ચોક સુધી ટોમ વોટર ડ્રેન લાઈન નાખવા રૂા.૭૭.૨૪ લાખ, પુનિતનગર ૮૦ ફૂટ મેઈન રોડ પર ટોમ વોટર ડ્રેન લાઈન નાખવા રૂા.૨૯ લાખ અને વોર્ડ નં.૧૧માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગોવિંદરત્ન બંગ્લોથી નાના મોવા રોડ સત્યસાંઈ ચોક સુધી ટોમ વોટર ડ્રેન પાઈપ લાઈન નાખવા રૂા.૫૩.૧૧ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે વોર્ડ નં.૩માં જ્યુબેલી ગાર્ડન ડેવલોપમેન્ટ, શ્રી અરવિંદભાઈ મણીયાર હોલનું રિનોવેશન, જ્યુબેલી ગાર્ડનથી ગાંધી મ્યુઝીમ જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે ક્ધસલટન્ટની નિમણૂંક કરવા રૂા.૨૨.૫૦ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ ૪૭ દરખાસ્તને બહાલી આપી રૂા.૨૦.૮૧ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
નિર્મલા રોડ પર ૮.૨૪ કરોડના ખર્ચે બનશે ફાયર સ્ટેશન-સ્ટાફ કવાર્ટર
૭ માળના બિલ્ડીંગમાં ફાયર બ્રિગેડના સ્ટાફ માટે ૩૦ ફલેટ અને ફાયર ઓફિસર માટે ૨ ફલેટ બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વોર્ડ નં.૧૦માં નિર્મલા રોડ પર આવેલા હયાત ફાયર સ્ટેશનની જગ્યાએ અત્યાધુનિક સુવિધાથી સજ્જ ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાર્ટર બનાવવા માટે રૂા.૮.૨૩ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ અત્યાધુનિક ફાયર સ્ટેશન બિલ્ડીંગમાં ૭ માળ રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર ફાયર બ્રિગેડ વાહનોના પાર્કિંગ માટે જગ્યા, ગેરેજ, કંટ્રોલરૂમ, સ્ટોરરૂમ, સર્વિસ એરીયા, પ્રથમ માળે સ્ટેશન ઓફિસરની ઓફિસ, સ્ટાફરૂમ અને માલ-સામાન રૂમ રહેશે. જ્યારે બીજાથી લઈ ૬ઠ્ઠા માળ સુધી ફાયરબ્રિગેડના સ્ટાફ માટે બે બેડરૂમ, હોલ, કિચન, ટોયલેટ, વોશીંગ એરીયાની સુવિધાથી સજ્જ ૩૦ ફલેટ બનાવવામાં આવશે. ૭માં માળે ફાયર ઓફિસર માટે ૩ બેડરૂમ હોલ, કિચન વાળા બે ફલેટ બનાવવામાં આવશે.