રાજકોટ અને પડધરીમાં હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન અશ્ર્વિન ડોડીયા સામે વધુ એક હત્યાનો નોંધાયો ગુનો
જન્માષ્ટમી દરમિયાન યુવકના થયેલા શંકાસ્પદ મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી દવા પીવડાવ્યાનું ખુલ્યું
પડધરીના નામચીન કાસમ લાખાના બે પુત્રની હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા અશ્ર્વિન ડોડીયાએ પોતાના સસરાની કરોડોની મિલકત હડપ કરવા માટે એકના એક સાળાની હત્યા કર્યાનો પોલીસમાં ગુનો નોંધાતા સનસનાટી મચી ગઇ છે. જન્માષ્ટમી દરમિયાન સાળાને દારૂ પીવાના બહાને સાળે લઇ જઇ દારૂમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિપ્રાય આવતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કિશાનપરા શેરી નંબર 4માં રહેતા દેવુભા રમેશભાઇ સાકરીયા નામના રજપૂત યુવાનની તેના સગા બનેવી અશ્ર્વિન રાઘવજી ડોડીયાએ દારૂમાં ઝેરી દવા ભેળવી હત્યા કર્યાની મૃતક દેવુભાના પિતા રમેશભાઇ થોભણભાઇ સાકરીયાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રમેશભાઇ સાકરીયાને આઠ દિકરી અને એક દિકરો છે. બીજા નંબરની દિકરી જાગૃતિબેન જન્માષ્ટમી નિમિતે પડધરીથી રાજકોટ આવ્યા ત્યાર બાદ તેમના પતિ અશ્ર્વિન ડોડીયા તા.23-8-19ના સાંજના આવ્યો હતો અને દેવુભા સાકરીયાને દારૂ પીવા માટે પોતાની સાથે લઇ ગયા બાદ મોડીરાતે ઇક્કોકારમાં રેસ્ટોરન્ટમાં દેવુભા સાકરીયાને લાવ્યા બાદ તેને ત્યાં સુવડાવી તે વધુ દારૂ પી ગયા છે. બે કલાકમાં સારૂ થઇ જશે તેમ કહી રેસ્ટોરન્ટમાં અશ્ર્વિન ડોડીયા અને તેની સાથેના શખ્સો જમીને જતા રહ્યા હતા.
બે કલાક બાદ દેવુભા ડોડીયા ન જાગતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. દેવુભા સાકરીયાના મોત અંગે પરિવાર દ્વારા શંકા વ્યક્તિ કરી રિ પીએમ કરવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દેવુભા સાકરીયાને ઝેરી દવા પીવડાવવામાં આવ્યાનો અભિપ્રાય આવતા રમેશભાઇ સાકરીયાએ પોતાના જમાઇ અશ્ર્વિન રાઘવજી ડોડીયા, ભવાનીનગરના નરેશ ઉર્ફે પલીયો નરશી સરવૈયા અને અમિત ભીખા ચૌહાણ સામે પોતાના પુત્ર દેવુભા સાકરીયાને દારૂની સાથે ઝેરી દવા પીવડાવી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રમેશભાઇ સાકરીયાને તેમના વતન આણંદપર બાઘી કાતે 40 વિઘા ખેતીની જમીન, કિશાનપરા ચોકમાં એક મકાન અને બે ઓફિસ, 150 ફુટ રીંગ રોડ પર 800 વારનો પ્લોટ, બે મોટા અને ચાર નાના પાણી સપ્લાયના ટેન્કર સહિતની મિલકતનો દેવુભા સાકરીયા એક માત્ર વારસદાર હોવાથી તેની હત્યા કરી સસરાની તમામ મિલકત હડપ કરવા માટે અશ્ર્વિન ડોડીયાએ પોતાના સાળાની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ગત તા.23મી ઓગસ્ટે રાતે દેવુભા સાકરીયાને ઇક્કો કારમાં અશ્ર્વિન ડોડીયા સહિતના શખ્સો રેસ્ટોરન્ટ લઇને આવ્યા હતા તે અંગેના સીસીટીવી ફુટેજ તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના પુરાવા સાથે રમેશભાઇ સાકરીયાએ પોલીસમાં રજુ કરી પોતાના જમાઇ અશ્ર્વિન ડોડીયાએ પડધરીના ગરબી ચોકમાં સીદી કાસમ અને રાજકોટના ગોંડલ રોડ પર તેના ભાઇની હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયો હોવાનું જણાવ્યું છે. એ ડિવિઝન પી.આઇ. એન.કે.જાડેજા, પી.એસ.આઇ. એસ.વી.સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતના સ્ટાફે અશ્ર્વિન ડોડીયા સહિત ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.